જયપુરમાં મહિલા મિત્રની હત્યા કરી એટીએસના એએસપીનો આપઘાત

જયપુર: જયપુરમાં એટીએસમાં એએસપી તરીકે ફરજ બજાવતા આશિષ પ્રભાકરે ગઈ કાલે રાતે તેની સાથે કારમાં બેઠેલી મહિલા મિત્રની હત્યા કર્યા બાદ તેણે પણ તેની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. સ્યુસાઈડ નોટમાં આશિષે તેની પત્નીને સંબોધી જણાવ્યું હતું કે આ મહિલા તેને બ્લેકમેલ કરતી હતી.

ગઈ કાલે પ્રભાકર દરોરજની જેમ ઓફિસ ગયા હતા. અને સાંજે સાડા પાંચ કલાકે ઓફિસમાંથી નીકળ્યા હતા. અને બાદમાં તે તેમની મહિલા મિત્ર સાથે મોડી સાંજ સુધી ફર્યા હતા. અને રાતે આઠ કલાકે તેમણે ફોન કર્યો હતો કે જગતપુર રોડ પર બાંધકામ સાઈટ પરની બિલ્ડિંગ પડી ગઈ છે. ત્યાર બાદ સાથી એએસપીને ફોન કરી થોડી વારમાં આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનામાં એવું જાણવા મળ્યું હતું કે કારમાં પ્રભાકરે જેવી આપઘાત માટે રિવોલ્વર કાઢી હશે ત્યારે તેમને મહિલા સાથે ઝગડો થયો હશે. કારણ કારમાં થયેલા ફાયરિંગમાંથી બે ગોળી કારના દરવાજા સાથે અને એક ગોળી કારની છત સાથે લાગી હતી. જેના પરથી સાબિત થાય છે કે મહિલાએ પ્રભાકરનો હાથ પકડી લીધો હશે. અને તેના કારણે ગોળી કારના દરવાજા સાથે ટકરાઈ હતી. પોલીસનું માનવું છે કે પ્રભાકરે આપઘાત પહેલાં સ્યુસાઈડ નોટ લખી હશે.

આશિષે તેની સ્યુસાઈડ નોટમાં પત્નીને સંબોધી લખ્યું હતું કે મને માફ કરી દેજે હું ખોટા માર્ગે ચાલ્યો ગયો હતો. આ મહિલા મને બ્લેકમેલ કરતી હતી. જોકે પતિ અને પત્ની વચ્ચેના વિવાદથી આશિષની પત્ની અનીતા તેના પિયર ચાલી ગઈ હતી. આ અગાઉ એક માસ પહેલા પણ આશિષ લાપતા થઈ ગયો હતો. પોલીસે ઘટના બાદ કારમાંથી પ્રભાકર અને મહિલાના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કારમાંથી સર્વિસ રિવોલ્વર પણ મળી આવી છે. અને તેથી માનવામાં આવે છે કે આ રિવોલ્વરથી જ બંનેને ગોળી વાગી હશે.
http://sambhaavnews.com/

You might also like