વાતાવરણ પલટાયુંઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં શીતલહર

અમદાવાદ: ફાંટાબાજ કુદરતના કરીશ્માથી ભરશિયાળે ઉનાળો અનુભવતા લોકોએ ગઈકાલ સાંજથી ઠંડાગાર પવનો ફૂંકાતા વાતાવરણ પલટાયું હોવાનો આનંદ અનુભવ્યો હતો.  રાજસ્થાનમાં છવાયેલા અપર એર સરક્યુલેશનથી રાજ્યભરમાં ફરીથી શિયાળાની રંગત જામી છે. ગુજરાતમાં પુનઃ શીતલહેર ફરી વળતા આગામી દિવસોમાં ઠંડી ફરીથી જમાવટ કરે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ મંગળવારે અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં પડેલી ગરમીએ છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડતાં ૩૪.૮ ડિગ્રી મહત્ત્મ તાપમાન નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીર સહિતના સમગ્ર ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક સ્થળોએ બરફવર્ષાથી સામાન્ય જનજીવન ઠપ થયું છે. તેમ છતાં ગુજરાતમાં અચાનક ઠંડી ગાયબ થઈને ગરમીવાળું વાતાવરણ થયું હતું પરંતુ ઉત્તર રાજસ્થાન અને દક્ષિણ રાજસ્થાનમાં ફેલાયેલા અપર એર સરક્યુલેશનના કારણે ચિત્ર પલટાયું છે.

અમદાવાદમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ હતું કે જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે હતું. પરંતુ આજે શીતલહેરના પગલે શહેરમાં ૧૩.૧ ડિગ્રી નોંધાઈ હતી કે જે સામાન્ય જેટલી જ છે. અમદાવાદમાં આ શીતલહેર જળવાઈ રહેશે.

દરમિયાન રાજ્યમાં પણ ત્વચાને દઝાડતી ગરમીને બદલે અંગેનો ધ્રુજાવતી ઠંડી જોવા મળી છે. કચ્છના નલિયામાં ૭.૮ ડિગ્રી નોંધાતા આ શહેર રાજ્યનું સૌથી વધુ ઠંડુંગાર શહેર બન્યું છે.  જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી ઠંડી નોંધાતા પાટનગરવાસીઓએ ઠંડક માણી હતી. ડીસામાં ૧૧.૮, સુરત ૧૭.૮, રાજકોટ ૧૨.૬, ભાવનગર ૧૪.૪, પોરબંદર ૧૪.૫, વેરાવળ ૧૫.૬, દ્વારકા ૧૪.૫, ઓખા ૧૮.૨, ભૂજ ૧૭.૬, સુરેન્દ્રનગર ૧૩.૮, કંડલા ૧૩.૦, અમરેલી ૧૨.૮, મહુવા ૧૩.૫, દીવ ૧૨.૦, વલસાડ ૧૪.૧, વલ્લભવિદ્યાનગર ૧૪.૩ અને કચ્છ-માંડવીમાં ૧૭.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપસમાન નોંધાયું હતું.
http://sambhaavnews.com/

You might also like