ધાકધમકી આપી ATMમાંથી ૬૦ હજાર વિડ્રો કરાવી લૂંટી લીધા

અમદાવાદ: તું અહીં કેમ ઊભો છે. તારો ગાડી નંબર મારી પાસે છે. ચાલ મારી જોડે કહી એટીએમમાં લઇ જઇ મિની સ્ટેટમેન્ટ કાઢી બે એટીએમના પિન નંબર જાણી લઇ રૂ.૬૦,૦૦૦ની લૂંટ ચલાવાઇ હોવાનો બનાવ લો ગાર્ડન વિસ્તારમાં બનવા પામ્યો છે. આ અંગે એલિસબ્રિજ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ થલતેજ ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અને રાયપુર વિસ્તારમાં ડ્રેસ મટીરિયલ્સની દુકાનમાં નોકરી કરતા પ્રદીપભાઇ મનુકાની (સિંધી) ર૧ ફેબ્રુુઆરીના રોજ રાત્રે ૧૧-૩૦ વાગ્યેે ઘરે જવા બાઇક પર નીકળ્યા હતા. લો ગાર્ડન નજીક તેઓ શૌચક્રિયા માટે ઊભા રહ્યા હતા.

દરમિયાનમાં એક યુવક તેમની પાસે આવી બોચી પકડી તું અહીં મૂતરડી પાસે કેમ ઊભો છે? તારો ગાડી નંબર મારી પાસે છે. ચાલ મારી જોડે કહી બાઇક પર બેસાડી લો ગાર્ડન એનસીસી સર્કલ પાસે અંધારામાં લઇ ગયો હતો.

યુવકની તલાશી લઇ ખિસ્સામાંથી પર્સ કાઢી બે એટીએમ કાઢી જણાવ્યું હતું કે તું અહીં ખરાબ કામ કરવા આવ્યો છે. તું સાચો હોય તો ચાલ મારી સાથે તેમ કહી એટીએમમાંથી મિની સ્ટેટમેન્ટ કાઢી જોવાનું કહ્યું હતું. સંન્યાસ આશ્રમ સામે આવેલા એટીએમમાં લઇ જઇ બંને બેન્કના એટીએમના મિની સ્ટેટમેન્ટ કાઢી અને પિન નંબર મેળવી એસબીઆઇમાંથી રૂ.૪૦,૦૦૦ અને બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી રૂ.ર૦,૦૦૦ મળી કુલ રૂ.૬૦,૦૦૦ કાઢી કોચરબ આશ્રમ પાસે લઇ ગયો હતો. એટીએમમાંથી કાઢેલા રૂ.૬૦,૦૦૦ને ગણવા માટે તેણે માગતાં ન આપવાનું કહેતાં પથ્થર લઇ માથું ફોડી નાખવાની ધમકી આપી રૂ.૬૦,૦૦૦ પડાવી લીધા હતા.

બાદમાં સિગારેટ લાવવાનું કહી રૂ.૬૦,૦૦૦ લઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે એટીએમના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આરોપી યુવકની ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

You might also like