ફક્ત પાંચ જ મિનિટમાં રૂ. એક કરોડની લૂંટનો ખેલ પાર પાડ્યો

અમદાવાદ: શહેરના નરોડા પાર્શ્વનાથ ટાઉનશિપ નજીક એટીએમમાં પૈસા ભરવા આવેલી કેશ વાનનો ડ્રાઇવર રૂ.૧.૦૮ કરોડ લઇ ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. ડ્રાઇવર રવિએ માત્ર પાંચ જ મિનિટમાં આ ખેલ પાર પાડયો હતો. ગનમેન સહિત ત્રણ વ્યકિતઓ પૈૈૈસા ભરવા માટે એટીએમમાં ગયા તે દરમિયાનમાં જ કેશવાન લઇ તે નાસી ગયો હતો અને એક કિલોમીટર દૂર ગાડી ઊભી રાખી અન્ય કારમાં બેસી ફરાર થઇ ગયો હતો. પાંચ જ મિનિટમાં રૂ.એક કરોડની ઉઠાંતરી થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.

અમરાઇવાડી વિસ્તારમાં દુર્ગાનગરમાં રહેતો રવિ ચૌધરી છેલ્લા છ મહિનાથી સીએમએસ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. સાંજના સમયે ડ્રાઇવર રવિ, ગનમેન અને અન્ય બે વ્યકિતઓ રૂ.૧.૩૮ કરોડ લઇને એટીએમ સેન્ટરમાં ભરવા નીકળ્યા હતા. સાંજે ૬.રપની આસપાસ તેઓ પાર્શ્વનાથ ટાઉનશિપ પાસે ભગીરથ સોસાયટી નજીકના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમ સેન્ટર પર પહોંચ્યા હતા. ગનમેન અને બે વ્યકિતઓ જેવા નીચે ઊતરીને એટીએમમાં ગયા ત્યારે ડ્રાઇવર રવિ કેશવાન લઇ નાસી ગયો હતો. એક કિલોમીટર આગળ જઇ ડ્રાઇવર રવિએ કેશવાન ઊભી રાખી હતી અને એક સફેદ કલરની કાર આવી હતી. જેમાં તે રૂ.૧.૦૮ કરોડ ભરેલી બેગ લઇ બેસી ફરાર થઇ ગયો હતો. રવિ અને તેના સાગરીતે નરોડા વિસ્તારમાં નવી બનતી સાઇટ વાલ્કેશ્વર હાઇટસ પાસે કારને મૂકી દીધી હતી. રૂ.૧.૦૮ કરોડ લઇ ફરાર થનાર રવિ ચૌધરીના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડાે પાડી તપાસ કરી હતી. રવિ ચૌધરી જ્યારે કેશવાનમાંથી રૂપિયા ભરેલી બેગ લઇ અન્ય અન્ય કારમાં બેસી ફરાર થતાં એક પાણીપુરીવાળાએ જોયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં તમામ જગ્યાએ ચેકિંગ શરૂ કર્યું છે તેમજ રવિના ઘરની આસપાસ પણ વોચ ગોઠવી છે.

રવિ ચૌધરીના વતન ખાતે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રવાના

આરોપી રવિ ચૌધરી મૂળ રાજસ્થાનનો વતની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ ખાતે અમરાઇવાડીના દુર્ગાનગરમાં તેના ભાઇ, પિતા અને પત્ની તથા બાળકો સાથે રહે છે. રૂ.૧.૦૮ કરોડ લઇ ફરાર થતાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તેના વતન રવાના કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે રવિના મોબાઇલ ફોનની વિગતો ચકાસી

ક્રાઇમ બ્રાન્ચે આરોપી રવિનું મોબાઇલ લોકેશન ટ્રેસ કરતાં છેલ્લે બાપુનગર વિસ્તારમાં તેનું લોકેશન મળ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે આરોપી રવિના મોબાઇલ ફોનની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી છે. ઘટનાની પહેલાં તેણે કોને ફોન કર્યા હતા અને કોના ફોન આવ્યા હતા. તે અંગે તપાસ શરૂ કરી છે.

 

You might also like