યુવાન એટીએમ તોડવા કલાક સુધી મથ્યો પણ મેળ ન પડ્યો

અમદાવાદ:  ખોખરા વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાં 4.53 લાખની ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે નરોડા વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાં યુવાને ચોરી કરવાની કોશિશ કરી હતી. સીસીટીવી કેમેરાના વાયરો કાપીને એક કલાક સુધી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એટીએમ નહીં તૂટતાં તે જતો રહ્યો હતો. એટીએમમાં સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે ચોરી કરવા ઘૂસેલો યુવાન એટીએમની બાજુમાં આવેલી મોબાઈલ શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

વેજલપુર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બેન્ક સ્ટાફ સોસાયટીમાં રહેતા અને ટીએસઆઇ ( એમ્ફસીસ) પ્રા.લિ કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા મિનેશભાઇ જનાર્દનભાઇ મહેતાએ એટીએમ તોડીને ચોરી કરવાની કોશિશની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નરોડા દેવી સિનેમા રોડ પર જશવંત કોલોની પાસે આવેલા એટીએમમાં તારીખ 12મી ફેબ્રુઆરી રોજ મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ યુવાન પ્રવેશ્યો હતો. તેણે સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખ્યા હતા ત્યારબાદ લોકને ખોલવાની કોશિશ કરી હતી. એકાદ કલાક સુધી એટીએમ મશીન નહી તૂટતાં ચોર યુવાન જતો રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે એટીએમ મશીનમાં સિક્યોરીટી ગાર્ડ ના હોઇ તેમજ સીસીટીવી કેમેરા બંધ હોય તેવા એટીએમ મશીનને ચોર ટાર્ગેટ કરી રહ્યા છે. નરોડા પોલીસે સમગ્ર ઘટના મામલે ચોરી કરવાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ  શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like