એટીએમ તોડવા તસ્કર ઘૂસ્યો, પણ સાઈરન વાગતાં નાસી છૂટ્યો

અમદાવાદ: શહેરના માણેકબાગ વિસ્તારમાં માણેકબાગ હોલ પાસે આવેલ એચડીએફસી બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ થયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ માણેકબાગ હોલ પાસે આવેલા કોમ્પ્લેકસમાં એચડીએફસી બેન્કનું એટીએમ આવેલું છે. ગત મોડી રાત્રે એટીએમમાં કોઇ અજાણી વ્યકિતએ પ્રવેશ કરી એટીએમને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. એટીએમમાં સુરક્ષાને લઇને સિકયોરિટી એલાર્મ રાખવામાં આવ્યું હતું. આ એલાર્મ વાગતાં જ મુંબઇની ઓફિસમાં જાણ થઇ હતી. એલાર્મનો અવાજ થતાં ચોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઇ ગયો હતો.

આ અંગેે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એટીએમમાંથી એક પણ રૂપિયાની ચોરી થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે એટીએમમાં ચોરીના પ્રયાસનો ગુનો નોંધીને સીસી ટીવીના આધાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like