એટીએમમાં ચોરી કરતી ગેંગને અાતંકીઅો સમજી એજન્સીઅો ધંધે લાગી?

અમદાવાદ: ગુજરાતમાં શિવરાત્રિના તહેવાર દરમિયાન આતંકવાદી હુમલો કરવાના મનસૂબા સાથે ઘૂસેલા ૧૦ પાકિસ્તાની આતંકીઓમાંથી ત્રણને ઠાર મરાયાની વાત પુરજોશમાં ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ આ વાતને નકારી રહી છે ત્યારે આ પ્રકરણમાં એક નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે.

ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને ગુજરાત પોલીસના ઉચ્ચસ્તરીય સૂત્રોનાં જણાવ્યાનુસાર હજુ સુધી કોઇ પણ આતંકીની ભાળ મળી શકી નથી કે તેને ઠાર મરાયા નથી. હકીકતમાં કચ્છમાં ઘૂસેલા એટીએમ ચોરની ગેંગના કારણે પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું હતું. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયના હવાલાથી એવા સમાચારો વહેતા કરવામાં આવ્યા હતા કે ગુજરાતમાં ઘૂસેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે.

ગુજરાત પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર કચ્છમાં આવેલા બે ગેસ્ટ હાઉસમાં નવ શકમંદ લોકો રોકાયા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. હકીકતમાં ભૂજના સ્વાગત અને સાગર ગેસ્ટ હાઉસમાં રોકાયેલા આ નવ લોકો ઓચિંતા ગુમ થઇ ગયા હતા. જ્યારે તેમના રૂમની તલાશી લેવામાં આવી ત્યારે ત્યાંથી ગેસ સિલિન્ડર અને ગેસકટર જેવાં સાધનો મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી.

મૂળ ઝારખંડના રહેવાસી નદિમ નસીમ સિદ્દિકી, જયાલુ માજિદ શેખ, જમિલ અખ્તર, અનારુલ ઇમ્તિયાઝ શેખ, શાહનવાઝ અન્સારી, મહંમદ મિનારુલ શેખ અને કબીર શેખ હકીકતમાં એટીએમ ચોર છે. કચ્છના પાકુર જિલ્લામાં પહોંચેલી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સાતેય શખસ અગાઉ પણ એટીએમ તોડવાના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે. આ ગેંગના સભ્યો ગેસ કટરથી એટીએમ મશીનને કાપતા હતા અને તેમાંથી રોકડ રકમ લઇ ફરાર થઇ જતા હતા. સપ્ટે.ર૦૧પમાં આ ગેંગના કેટલાક સભ્યો પોલીસના હાથે ઝડપાયા હતા.

અા અંગે બોર્ડર રેન્જ આઇજી એ.કે.જાડેજાએ જણાવ્યું છે કે તારીખ 29મી ફેબ્રુઆરીના રોજ ઝારખંડના પાંચ એટીએમ ચોર આવ્યા હતા ત્યાર બાદ 3જી માર્ચે ચાર આરોપીઓએ આવ્યા હતા. તમામ લોકો મુસ્લિમ હતા અને હિંદુ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યારે રેડ એલર્ટ આવ્યું ત્યારે હોટલમાં ચેકિંગ કરવા ગયા ત્યારે એટીએમ ચોર ગેસ્ટ હાઉસના રૂમમાં હતા નહીં પકડાઇ જવાની બીકથી તેઓ બારોબાર ફરાર થઇ ગયા હતા. આરોપીઓ કાર લઇને આવ્યા હતા. તપાસ કરાવી નવ આરોપીઓ પૈકી છ આરોપીઓ મુંબઇમાં પકડાયા હોવાનું જાણવા મળ્યું હતું ઝારખંડમાં પણ તમામ આરોપીઓ એટીએમ ચોરીમાં પકડાઇ ચુક્યા છે.

You might also like