આગામી ત્રણ વર્ષમાં એટીએમ કોઈ કામનાં રહેશે નહીંઃ અમિતાભ કાંત

જયપુર: ટોચના સરકારી અધિકારીઓનું માનવું છે કે દેશ હવે ટૂંક સમયમાં મોટા પાયે કેશલેસ ઇકોનોમીમાં ફેરવાઇ જશે અને ત્રણ વર્ષમાં એવી સ્થિતિનું નિર્માણ થશે કે રોકડ રકમ ડિસ્પેન્સ કરતાં એટીએમ મશીનો કોઇ કામનાં નહીં રહે. અધિકારીઓને એવી ખાતરી છે કે દેશમાં મોબાઇલ ફોન દ્વારા હવે આર્થિક વ્યવહારોનું પ્રમાણ વધી રહ્યુું છે.
જોકે કેટલાક લોકો એવા પણ છે કે જેમને ઓનલાઇન ટ્રાન્ઝેકશન પર વિશ્વાસ નથી. તેમનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં આવંુ થવું અશકય છે, કારણ કે આપણે ત્યાં તે માટે જરૂરી આધારભૂત માળખું ઉપલબ્ધ નથી. જયપુરમાં ચાલી રહેલા સાહિત્ય મહોત્સવમાં ‘બ્રેવ ન્યૂ વર્લ્ડઃ ધ વર્ચ્યુઅલ ઇકોનોમી એન્ડ બિયોન્ડ’ વિષય પર થયેલી ચર્ચામાં આ મુદ્દાઓ સામે આવ્યા છે.

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે ચર્ચામાં જણાવ્યું હતું કે ડિજિટલ ઇકોનોમી તરફ ઝડપથી આગળ વધવા માટે નોટબંધી જરૂરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે ત્યાં અત્યારે મોટી ઊથલપાથલ થઇ રહી છે. હજુ ૮પ ટકા વ્યવહારો રોકડમાં થઇ રહ્યા છે જેનાથી કાળું નાણું વધુ પેદા થઇ શકે છે. જોકે મોબાઇલ ફોનની દુનિયામાં હવે અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે અને આમ કેશલેસ ઇકોનોમી માટે આધારભૂત માળખું ઉપલબ્ધ થઇ શકયું છે.
અમિતાભ કાંતેે વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં દેશમાં એટીએમ કોઇ કામના રહેશે નહીં અને અપ્રસ્તુત બની જશે. તાજેતરમાં નિયુકત માહિતી અને ટેકનોલોજી સચિવ અરુણા સુંદર રાજને કેન્યાનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે કેન્યામાં તુલનાત્મક રીતે બેન્ક ઓછી છે અને ટેકનોલોજી પણ એટલી બધી સારી નથી. તેમ છતાં ત્યાં પ૦થી ૬૦ ટકા વ્યવહારો ફોન પર જ થાય છે.

http://sambhaavnews.com/

You might also like