હવે ATMમાંથી રેલવે ટિકિટ નીકળશે

નવી દિલ્હી: હવે રેલવે ટિકિટ મેળવવા માટે તમારે સ્ટેશન પરની ભીડનો સામનો નહીં કરવો પડે કે લાંબી કતારોમાં ઊભાં નહીં રહેવું પડે. ભારતીય રેલવેએ એક એવો મોટો નિર્ણય લીધો છે કે જેના દ્વારા હવે બેન્ક એટીએમ મારફતે રેલવે ટિકિટ ઉપલબ્ધ બનશે.

મીડિયા રિપોર્ટ અનુસાર રેલવેએ વર્ષ ૨૦૧૬માં આ માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનાં પરિણામો હવે આવવા લાગ્યાં છે. રિપોર્ટ અનુસાર રેલવે બોર્ડ અને સ્ટેટ બેન્કના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના નિર્ણય અનુસાર સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમે (ક્રીસ) સોફ્ટવેર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

હવે એટીએમ દ્વારા જનરલ ટિકિટ મળી શકશે. આ માટે પહેલાં એસબીઆઈના એટીઅેમને આ સોફ્ટવેર મારફતે અપગ્રેડ કરવામાં આવશે કે જેથી તેમાંથી નોટની જેમ ટિકિટ પણ નીકળી શકશે. રેલવે ઈચ્છે છે કે આ સુવિધાનો લોકો વધુ ને વધુ ઉપયોગ કરે અને તેથી કેટલાંક મુખ્ય એટીએમ સાથે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ (એટીવી) મશીન લગાવવા પર વિચારણા ચાલી રહી છે.

થોડા દિવસ પહેલાં ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર એસબીઆઈએ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવ્યું છે, જેનો ઉપયોગ ટિકિટ કાઢવા માટે કરવામાં આવે છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે ટિકિટ પ્રિન્ટ થઈને બહાર નીકળશે. મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે ડેબિટકાર્ડ નહીં હોય તો તમે એટીએમમાંથી રેલવે ટિકિટ બહાર કાઢી શકશો, કારણ કે તેમાં સિક્કા કે નોટો નાખવાથી પણ ટિકિટ બહાર આવશે.
http://sambhaavnews.com/

You might also like