મોદીના ૫૦ દિવસ પૂરા પણ ATMમાં ‘કેશ’નો દુષ્કાળ યથાવત

અમદાવાદ: રૂ.પ૦૦ અને ૧૦૦૦ની ચલણમાંથી રદ થઇ રહેલી નોટો બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની મુદત હવે પૂરી થઇ ચુકી છે. પ૦ દિવસથી વધુનો સમયગાળો વીતી ગયા બાદ આજે નોટબંધીની સમાપ્તિ પછી લોકોને મનમાં એક આશ્વાસન હતું કે એટીએમની હાડમારી ઘટી જશે પરંતુ તેમની અપેક્ષા ઠગારી નીવડી છે. આજે પણ મોટા ભાગનાં એટીએમ ખાલીખમ છે.

સોમવારથી સેલેરી વીક શરૂ થઇ રહ્યું છે. આ મહિને પૂરતાં નાણાં નહીં ઉપાડી શકેલા ખાતેદારોએ જેમ તેમ કરીને મહિનો પૂરો કરી લીધો પણ આજની ખાલીખમ એટીએમની પરિસ્થિતિ જોતાં સોમવારે શું થશે એ ચિંતામાં લોકો મુંઝાઇ રહ્યા છે. આજથી એટીએમમાંથી એક દિવસમાં રૂ.૪પ૦૦ ઉપાડી શકાશે. જોકે એક ખાતાંમાંથી એક અઠવાડિયામાં માત્ર ર૪ હજાર ઉપાડવાની મર્યાદા ચાલુ રાખવામાં આવી છે.

આજે પણ બેન્ક પાસે રોકડની અછત છે એટીએમ હજુ પણ ભરાતાં નથી બેન્કનું કહેવું છે કે તેમને કરન્સીની જરૂરિયાતના પ્રમાણમાં પ૦ ટકા જથ્થો જ મળી રહ્યો છે ઓછી રકમ મળવાના કારણે તેઓ ખાતેદારોની માગ પૂરી કરી શકતા નથી. એટીએમ ખાલી જોઇને લોકો નિરાશ થઇ રહ્યા છે. હજુ સોમવારથી સેલરી વીક શરૂ થવાની સાથે લોકોની હાડમારી ઘટશે કેમ તે પણ એક પ્રશ્ન છે.
http://sambhaavnews.com/

You might also like