ATM નહીં કરે કામ, હેલ્પલાઇન જાહેર કરાયો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળાધન અને ભ્રષ્ટાચાર પર લગામ લાદવા માટે કરેલી જાહેરાતને પગલે ગઇકાલે મધ્ય રાતથી 500 અને 1000 રૂપિયાની મોટી નોટોનો નાણાકીય વ્યવહાર બંધ કરી દીધો છે. પીએમ મોદીની જાહેરાત પ્રમાણે આજે બેંકોમાં લેવડદેવડ બંધ રહેશે અને આવનારા દિવસોમાં કેટલાક ATM પણ કામ નહીં કરે.

નવી વ્યવસ્થાને સફળ બનાવવા માટે આજે બેંકો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 500 અને 1000ની નોટો મધ્ય રાત્રીથી પ્રતિબંધિત કરવાની સરકારની જાહેરાતને પગલે આજે ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે. તેઓ 500 રૂપિયાની અને 2000ની નવી નોટો સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાથે જ તેઓ લોકોને વધારે મુશ્કેલી પણ નહીં પડવા દે. મુંબઇમાં રિઝર્વ બેંકના મુખ્ય કાર્યાલય તથા દિલ્હીમાં આર્થિક વિભાગના નિયંત્રણ કક્ષ બનાવવામાં આવશે. નિયંત્રણ કક્ષ બુધવારે સવારે આઠ વાગે કામ કરવાનું શરૂ કરશે તથા પહેલાં 15 દિવસ 24 કલાક ચાલુ રહેશે. મુંબઇનો હેલ્પલાઇન નંબર 022-22602201 તથા 022-22602944 અને દિલ્હીનો નંબર 011-23093230 છે.

આ સાથે જ રાજ્ય સરકારો, પોલીસ તથા સુરક્ષા એજન્સિયોને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ સુનિશ્ચિત કરે કે નોટ બદલનાર લોકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. હાલ એરપોર્ટ પર આ નોટો ટિકિટના ખરીદ વેચાણમાં ચાલશે. હોસ્પિટલમાં પણ આગામી 72 કલાક માટે આ નોટો વાપરી શકાશે.

 

You might also like