એટીએમમાં કેશ ભરનાર સ્ટાફ ત્રણ દિવસથી ઘરે ગયો જ નથી

નવી દિલ્હી: અત્યારે જે સ્થિતિ એટીએમમાંથી કેશ ઉપાડનારા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેતા લોકોની છે એવી સ્થિતિ એટીએમ સુધી રૂપિયા પહોંચાડનારા સ્ટાફની છે. દેશભરમાં એટીએમની તુલનાએ કેશ લોજિસ્ટિક માટે કામ કરનાર સ્ટાફની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણસર એટીએમમાં કેશ પહોંચાડનારા કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે ગયા નથી અને સતત કામ કરી રહ્યા છે. આ લોકો સતત બે શિફ્ટમાં કામ કરીને દેશમાં બે લાખ એટીએમ સુધી કેશ પહોંચાડી રહ્યા છે. સ્થિતિ એ છે કે આ લોકો ટેન્ટ લગાવીને આખી રાત કેશની બાજુમાં જ સુતા રહે છે. કેશ બોક્સમાં ભરીને કેશવાન દ્વારા એટીએમ સુધી પહોંચાડે છે.

આ કર્મચારીઓ માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે એક દિવસની અંદર જ દેશના તમામ એટીએમમાંથી રૂ. ૫૦૦ રૂ. ૧૦૦૦ની જૂની નોટો બહાર કાઢીને બીજા દિવસે એટીએમમાં રૂ. ૧૦૦ની નોટો મૂકવાની હતી. કેશ લોજિસ્ટિક એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને ફિક્કીની પ્રાઈવેટ સિક્યોરિટીના કો-ચેરમેન રિતુરાજ સિંહાના જણાવ્યા અનુસાર ૪૦,૦૦૦ કર્મચારીઓ ૮૮૦૦ કેશવાન દ્વારા દેશના બે લાખ એટીએમ સુધી રૂપિયા પહોંચાડી રહ્યા છે.

સૌથી મુશ્કેલી એ વાતની છે કે એટીએમમાં માત્ર રૂ. ૧૦૦ની જ નોટ નાંખવામાં આવે છે. અગાઉ એટીએમમાં રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦ની નોટો મળવામાં આવતી હતી. સોફટવેર અને એટીઅેમ કોડ બદલાયા નહીં હોવાથી રૂ. ૧૦૦થી વધુ રકમની નોટ એટીએમમાં નાંખી શકાતી નથી. રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કર્યા બહેલા ૩૫,૦૦૦ એટીએમમાં કેશ ભરવી પડતી હતી, પરંતુ હવે એક દિવસમાં ૭૦,૦૦૦ એટીએમમાં રૂપિયા ભરવા પડે છે. અગાઉ એટીએમથી કેશ ઉપાડવા માટે એક દિવસમાં ૧૦૦ જેટલા લોકો આવતા હતા. કેશ ઉપાડવા માટે હજારો લોકોની લાઈન લાગે છે અને કેશ ભર્યા બાદ બે કલાકમાં જ કેશ ખલાસ થઈ જાય છે.

You might also like