બનેવીએ સાળાનું એટીએમ કાર્ડ ચોરી રૂ. ૨.૪૫ લાખ ઉપાડી લીધા!

અમદાવાદ: સામાન્ય રીતે એટીએમમાંથી પૈસાની ચોરી થાય તો કોઇ વ્યક્તિ પિન નંબર મેળવીને પૈસા ઉપાડી લીધા હોવાનું કહેતી સાંભળવા મળે છે, પરંતુ જ્યારે આખું એટીએમ કાર્ડ પિન નંબર સાથેનું કોઇ જાણીતું જ ચોરી પૈસા ઉપાડી લે ત્યારે? સગા બનેવીએ પોતાના જ સાળાનું એટીએમ કાર્ડ ચોરી તેમાંથી જુદા જુદા સમયે કુલ રૂ.ર.૪પ લાખ ઉપાડી લીધા હતા. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જોકે ક્રાઇમ બ્રાંચે આરોપી બનેવીની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિગરભાઇ ઘનશ્યામભાઇ ઠક્કર (હાલ રહે.અક્ષરધામ ફલેટ, મહેસાણા)નું કાલુપુર સરૈયા પોળ ખાતે મકાન આવેલું છે. આ મકાનમાંથી દોઢ-બે મહિના અગાઉ તેઓનું એટીએમ કાર્ડ જે તેઓએ પિન નંબર સાથે ઘરમાં રાખ્યું હતું. તે પર્સમાંથી ચોરી થઇ ગયું હતું. એટીએમ ચોરાયા બાદ કાર્ડ દ્વારા કોઇ વ્યક્તિએ અલગ અલગ જગ્યાએથી કુલ રૂ.ર.૪પ લાખ ઉપાડી લીધા હતા. આ બાબતે જિગરભાઇએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાનમાં ક્રાઇમ બ્રાંચે એટીએમ સેન્ટરના સીસીટીવી ફુટેજની તપાસ કરતાં ઘનશ્યામભાઇ ઉર્ફે ગિરીશ વાઘજીભાઇ ઠક્કર (ઉ.વ.ર૯ રહે. ધના સુથારની પોળ) દ્વારા એટીએમ સેન્ટરમાંથી આ ઉપાડતા હોવાનું બહાર આવ્યું હતું. જિગરભાઇને આ બાબતે પૂછતાં ઘનશ્યામ તેઓના બનેવી હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે ઘનશ્યામભાઇની રૂ.૯પ,૦૦૦ રોકડા સાથે ધરપકડ કરી હતી.

You might also like