આવું તો અમારી સાથે પણ થાય છે, તમારે ધ્યાન રાખવું જોઈએ

અમદાવાદ: હેલો…. બેંકમાંથી બોલું છું તમારું એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયું છે તેથી તેને ચાલુ કરવા માટે તમારો એટીએમ પિન નંબર આપો. આવા અનેક કોલ શહેરીજનોને મળતા હોય છે અને લોકો આ ફોન કરનાર ઠગની જાળમાં ફસાઇ પોતાના પૈસા ગુમાવતા હોય છે. પરંતુ પોલીસ આવા ઠગ સુધી પહોંચવામાં સફળ થતી નથી અને ફરિયાદ નોંધવામાં પણ કોઇ રસ દાખવતી નથી. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં રહેતી યુવતી જે હાલ આણંદમાં અભ્યાસ કરે છે તેને શુક્રવાર અજાણ્યા શખ્સનો ફોન આવતાં તમારું એટીએમ બ્લોક થઈ જશે.

તેમ જણાવીને યુવતી પાસેથી એટીએમ નંબર મેળવી લીધો હતો. થોડા સમય બાદ યુવતીના મોબાઇલ પર ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરી હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી ફોન કરનારે તેનાં ખાતામાંથી પૈસા ઉપાડી લીધાની જાણ યુવતીને થઇ હતી. આ બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જતાં હાજર પોલીસ કર્મીએ આમાં કાંઈ ના થાય. અમારી સાથે પણ આવું બને છે તેવો ઉડાઉજવાબ આપ્યો હતો.

મીનાબહેન શક્તિવેલે (ઉ.વ.23) જણાવ્યું હતું કે ગત શુક્રવારે મારા મોબાઈલ પર 84058 81730 નંબર પરથી ફોન આવ્યેા હતો અને તમારું એટીએમ બંધ થઇ ગયું હોય તેમ બહાનું કાઢી એટીએમ કાર્ડ
નંબર તથા કોડ નંબર પિન પાસવર્ડ પૂછી લઇ મીનાબહેનનાં એકાઉન્ટમાંથી ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ૮૦૦૦ની ખરીદી કરી લીધી હતી.

ફરિયાદ કરવા ગઇ હોવા છતાં પોલીસે તેની ફરિયાદ નોંધી ન હતી. જ્યારે કોઇ પણ વ્યક્તિ સાથે પ્રથમ દર્શીનીય રીતે ગુનો બનતો હોય તો તાત્કાલીક ભોગ બનારની ફરિયાદ લેવા અંગે પોલીસ મેન્યુઅલમાં જણાવાયું છે. પરંતુ પોલીસ દ્વારા ગુનાનો ગ્રાફ નીચો બતાવવા માટે ફરિયાદ નથી નોંધતી. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.યુ.મશીનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઇ શકયો નહોતો.

You might also like