તમારું ATM કાર્ડ રદ થઈ જશે!

અમદાવાદ: બેંકમાંથી બોલું છું કહી ફોન પર એટીએમની માહિતી લઇ છેતરપિંડીના કિસ્સામાં વધુ એક વધારો થયો છે. નહેરુનગરના બીમા નગર સોસાયટીમાં રહેતી મહિલાને અજાણી વ્યક્તિએ ફોન કરી તમારું એટીએમ કેન્સલ થઇ જશે કહી એટીએમની વિગતો મેળવી એકાઉન્ટમાંથી રૂ.૪૮,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગે મહિલા એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નહેરુનગર ઝાંસીની રાણીનાં પૂતળા નજીક આવેલી બીમા નગર સોસાયટીમાં ઉષાબહેન ઇન્દ્રવદનભાઇ રહે છે. ગાંધીનગર ખાતે તેઓ નોકરી કરે છે. ઉષાબહેનના નંબર ઉપર કોઇ અજાણી વ્યક્તિએ ફોન કરી તેઓ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી વાત કરે છે. તેઓનું એટીએમ કાર્ડની વેલિડીટી પૂરી થઇ ગઇ હોઇ એટીએમ કેન્સલ થઇ જશે કહી તેઓનાં એટીએમ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. બાદમાં બેંક એકાઉન્ટમાંથી રૂ.૪૮,૦૦૦ની મતા ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી. આ અંગે તેઓએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પી.આઇ. એમ.યુ. મશીએ જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ લીધી છે. સાત મહિના અગાઉ બનાવ બન્યો હતો. પરંતુ ફરિયાદ હવે નોંધાઇ છે.

You might also like