સ્કૂલથી જ હું ફિલ્મી હતીઃ અથિયા શેટ્ટી

સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ નિખિલ અડવાણી નિર્દેશિત ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ રીતે ફ્લોપ રહી. તાજેતરમાં અથિયાની બીજી ફિલ્મ ‘મુબારકાં’ રિલીઝ થઇ, જેણે તેની પહેલી ફિલ્મ કરતાં સારું પ્રદર્શન કર્યું. અભિનયની સાથે-સાથે અથિયા પોતાની ફેશન અને ડ્રેસિંગ સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. પોતાના બાળપણ અંગે વાત કરતાં તે કહે છે કે હું મુંબઇમાં જન્મી અને ઉછરી છું. મારી સ્કૂલમાં ટાઇગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા શ્રોફ તેમજ શ્રદ્ધા કપૂર પણ ભણતી હતી. ટાઇગર, કૃષ્ણા અને હું સાથે મળીને ડાન્સ પર્ફોર્મન્સની તૈયારી પણ કરતાં હતાં, જેની કોરિયોગ્રાફી શ્રદ્ધા કરતી હતી. મને ફિલ્મો જોવાનો બહુ શોખ હતો. હું સારી-ખરાબ તમામ પ્રકારની ફિલ્મો જોતી રહેતી. હું અરીસાની સામે નાચ્યા કરતી હતી. ગીત ગાતી હતી. હું સારી વિદ્યાર્થિની પણ હતી. મેં સ્કૂલમાં થિયેટર પણ કર્યું. મને લોકોની સામે પર્ફોર્મ કરવું ગમતું હતું.

અથિયા બોલિવૂડની પરંપરાગત અભિનેત્રી લાગતી નથી. તે કહે છે કે અમે સ્કૂલમાં હતાં ત્યારે ટાઇગર હંમેશાં મારી મજાક ઉડાવતો હતો, કેમ કે હું ખૂબ જ ફિલ્મી હતી. હું ટોમબોય હતી અને હજુ પણ છું, કેમ કે ત્યારે હું હંમેશાં ફૂટબોલ કે બાસ્કેટબોલ રમતી રહેતી હતી. પોતાનાં માતા-પિતા અંગે વાત કરતાં તે કહે છે કે તે ખૂબ જ ઇમોશનલ અને લવિંગ છે. પોતાની કરિયરમાં આવતા ચઢાવ-ઉતારની અસર તેમણે અમારા પર ક્યારેય થવા દીધી નથી. મારી માતા ખૂબ જ શાંત છે અને મારી સપોર્ટ સિસ્ટમ છે. જો હું કોઇ ભૂલ કરું તો તે મને સમજાવે છે કે આ શું કર્યું? મારી ભૂલને સુધારવામાં પણ મને મદદ કરે છે. બંને પ્રત્યે મને ખૂબ જ રિસ્પેક્ટ છે. •

You might also like