અટલજીનાં અસ્થિનું કાલે સાંજે સાબરમતી નદીમાં વિસર્જન કરાશે

અમદાવાદ: ગુજરાત ભાજપ દ્વારા ભાજપના પૂર્વ દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીને આજે ખાસ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આજની સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભામાં વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ હાજરી આપશે.

આવતી કાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સ્વ. વાજપેયીના અસ્થિકુંભને દિલ્હીથી લઈને અમદાવાદ એરપોર્ટ પર ૩.૩૦ કલાકે બપોરે આવશે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રધાનમંડળના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ હાજરી આપશે અને અમદાવાદ એરપોર્ટ પર અસ્થિકુંભનો સ્વીકાર કરશે.

આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં સાંજના ૪ થી ૬ કલાક દરમિયાન યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા યોજાશે. આવતીકાલે કુલ છ અસ્થિકુંભ લાવવામાં આવશે. ભાજપના ખાડિયાના ગોલવાડ ખાતે આવેલા કાર્યાલય લઈ જવાશે ત્યાંથી અસ્થિવિસર્જન યાત્રા શરૂ થશે, ખાડિયાનું આ કાર્યાલય ભારતીય જનસંઘનું પહેલું કાર્યાલય હતું.

જેમાં અટલજી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ અનેક વખત રાષ્ટ્રીય કારોબારી, પ્રદેશ કારોબારી યોજી ચૂક્યા છે. યાત્રા ખાડિયા દરવાજા, રાયપુર ચકલા, છબીલા હનુમાન, રૂગનાથપુરાની પીઠ, ખમાસા ચાર રસ્તા થઈને તિલકબાગ પહોંચશે અને ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ તિલકબાગ નજીકના ઘાટ પર અસ્થિવિસર્જન કરાશે.

આવતી કાલથી ૩૦ ઓગસ્ટ સુધીમાં રાજ્યની સાબરમતી સહિતની ૬ નદીઓમાં તેમનાં અસ્થિ વિસર્જિત કરાશે. આ અસ્થિવિસર્જન કાર્યક્રમ દરમિયાન કોઈ પણ સ્થળે તિરંગા કે તેના ચિહ્નનો ઉપયોગ કરાશે નહીં. સાબરમતી, મહી, નર્મદા ત્રિવેણીસંગમ સરસ્વતીમાં અસ્થિવિસર્જન કરાશે. ૨૫ ઓગસ્ટે તાપી અને સોમનાથ ત્રિવેણીસંગમ, ૨૭મીએ મહી અને સિદ્ધપુર સરસ્વતી અને નર્મદામાં અસ્થિ વિસર્જન થશે.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના પ્રધાનો વાજપેયીજીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ એરપોર્ટ પણ આવતી કાલે ઉપસ્થિત રહીને અસ્થિકુંભ સ્વીકારશે. દરેક સ્થળોએ અસ્થિ યાત્રાનું આયોજન થશે.

You might also like