પૂર્વ PM વાજપેયીની સુરક્ષામાં ગાબડાં, જોકે AIIMSનું મૌન

નવી દિલ્હી: ભારતરત્ન પૂર્વ વડા પ્રધાન અટલિબહારી વાજપેયી જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના આઈસીયુમાં દાખલ છે. તેમની સુરક્ષા-વ્યવસ્થા કડક હોવા છતાં તેમાં ગાબડાં હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે.

એમ્સના કાર્ડિયાક ન્યૂરો સેન્ટરમાં કામ કરતા આઈસીયુ ટેકનિશિયન પોતાના સાથીને ડોક્ટર હોવાનું જણાવીને આઈસીયુ સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો, જોકે ત્યાર બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ એમ્સના આ ટેકનિશિયનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જોકે એમ્સ દ્વારા આ બાબતે મૌન સેવવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષાને તોડવામાં ટેકનિશિયનના દોસ્તની કોઈ દુર્ભાવના કે બદઈરાદો બહાર આવ્યો નથી. તેથી પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ટેકનિશિયનનો મિત્ર વાજપેયીને જોવા ઈચ્છતો હતો અને તેથી તે કાર્ડિયાક સેન્ટરના આઈસીયુમાં જવા માગતો હતો કે જ્યાં વાજપેયીને દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિશિયનની ડ્યૂટી આ આઈસીયુમાં હતી અને તેથી તેના આવવા-જવા પર કોઈ રોકટોક ન હતી.

You might also like