યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર શેરબજારની નજર

ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૯૪.૬૫ પોઇન્ટના સુધારે ૨૪,૭૧૭.૯૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૪.૦૫ પોઇન્ટના સુધારે ૭,૫૧૦.૨૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા, જોકે સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૩ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૭,૫૦૦ પોઇન્ટની ઉપર બંધ આવી છે તે એક સારા સંકેત ગણાવી શકાય. દરમિયાન આગામી સપ્તાહે મંગળવાર અને બુધવાર એમ બે દિવસની યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે. શેરબજાર માટે આ બેઠક મહત્ત્વની બની શકે છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજાર હવે સપોર્ટ માટે નવા પરિબળોની રાહ જોઇ રહ્યું છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરના શેર્સમાં સુધારો જોવાય તો બજારની તેજીને નવો સપોર્ટ મળશે. દરમિયાન અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે તેવા સંકેતો ગઇ કાલે જાહેર થયેલા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ઉપરથી જોવા મળી શકે છે.

જાન્યુઆરીમાં સળંગ ત્રીજા મહિને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડામાં ઘટાડો જોવાયો છે. એપ્રિલમાં ચોથા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો જાહેર થશે. આ પરિણામો બજાર માટે મહત્ત્વનાં સાબિત થઇ શકે છે. મોટા ભાગના નિષ્ણાતોનો એવો મત છે કે પરિણામો શેરબજારની અપેક્ષા કરતાં નબળાં આવી શકે છે.

આગામી સપ્તાહે સોમવારે ફુગાવાના ડેટા પણ જાહેર થનાર છે ત્યારે તેના ઉપર બંજારની નજર રહેશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૭,૬૦૦ મહત્ત્વનું અવરોધ લેવલ છે. આ સપાટી તોડે તો બજારમાં નવેસરથી તેજીની ચાલ જોવાઇ શકે છે.

You might also like