ચોર મચાયે શોરઃ વસ્ત્રાલમાં એક સાથે ૧૫ ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: દિવાળીના તહેવારમાં શહેર પોલીસે લોકોની સલામતી માટે કરેલા દાવાનું સુરસુરિયું કરી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બે લકઝુરિયસ એપાર્ટમેન્ટમાં મોડી રાતે ૧૫ ફ્લેટનાં તાળાં તોડીને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ જતાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. તસ્કરો પોલીસના સબ-સલામતિના પોકળ દાવા પર તમાચો મારીને એકસાથે ૧૫ ઘરમાંથી લાખો રૂપિયાની માલમતા ચોરી ગયા હતા. ઘરફોડિયા, તસ્કરો તેમજ ચેઇન સ્નેચરોને પકડવા માટે મોડી રાતે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે આ ઘટના ઘટી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અબજીબાપા લેકવ્યૂ એપાર્ટમેન્ટના ત્રણ બ્લોકના દસ ફ્લેટમાંથી મોડી રાતે તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા છે. વહેલી સવારે અબજીબાપા લેકવ્યૂના રહીશો ઊઠ્યા ત્યારે તેમના પડોશના રહીશોનાં મકાનનાં તાળાં તૂટેલાં જોયાં હતાં. આ ઘટનાને લઇને તમામ રહીશો લેકવ્યૂ એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં ભેગા થયા હતા, જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એચ, જે, અને જી બ્લોકના ૧૦ ફ્લેટનાં તાળાં તોડીને તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે. દસ ફ્લેટમાં થયેલી ચોરીને પગલે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરીને બોલાવી દીધી હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર દસથી પંદર તસ્કરો મોડી રાતે અબજીબાપા લેકવ્યૂનો કોટ કૂદીને ઘૂસ્યા હતા. જ્યાં તેમણે એચ બ્લોકના બે ફ્લેટ, જે બ્લોકના છ ફ્લેટ અને જી બ્લોકના બે ફ્લેટમાં ચોરી કરી. તે પછી તેઓ ફરાર થઇ ગયા હતા.

અબજીબાપા લેકવ્યૂમાં ચોરી થઇ ગયા પછી તસ્કરો તેની બાજુમાં આવેલા કલ્પતરુ એપાર્ટમેન્ટના પાંચ ફ્લેટમાં ચોરીની ઘટનાને અંજામ આપીને રફુચક્કર થઇ ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અબજીબાપા ફ્લેટમાં ૨૪ કલાક સિક્યોરિટી તૈનાત છે ત્યારે મુખ્ય ગેટ પર નાઇટ વિઝન હાઇડેફિનેશનના કેમેરા છે,આથી તેઓ કોટ કૂદીને એપાર્ટમેન્ટમાં ઘુસ્યા હતા. આ ઘટના મોડી રાતે ત્રણ વાગ્યા પછી બની છે.

વસ્ત્રાલમાં એક સાથે ૧૫ ફ્લેટનાં તાળાં તૂટવાની ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે ત્યારે વસ્ત્રાલના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વહેલી સવારે રામોલ પોલીસ, ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને જ્યારે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ચોરી કરવા માટે આવેલા કઇ ગેંગના હતા તે શોધવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દિવાળીના પર્વ દરમિયાન તસ્કરોએ મચાવેલા તરખાટમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. બે દિવસ પહેલાં દિવાળીના તહેવારો દરમિયાન સલામતી માટે પોલીસ કમિશનર એ.કે.સિંધે ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ, સેક્ટર ૧ના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ કે.એલ.રાવ, અને સેક્ટર ૨ના એડિશનલ સી.પી. અશોક યાદવ સાથે મળી ચોરી, ઘરફોડ, ચેઇનસ્નેચિંગ, લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાને રોકવા માટે બહુપાંખિયો વ્યૂહ રચ્યો હતો. ચોરી, ઉઠાંતરી જેવી ઘટનામાં એલર્ટ રહેવા માટે રસ્તાઓ પર મિની ચેક પોઇન્ટ બનાવ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે, પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ગુનાહિત કૃત્ય આચરતા લોકો પર વોચ રાખવાની કામગીરી તેમજ ફુટ પેટ્રોિલંગનું આયોજન કર્યું હતું. પોલીસની જબરજસ્ત વ્યૂહરચના ગોઠવી હોવા છતાંય તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા
અબજીબાપા લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં કોના મકાનમાં ચોરી થઇ
એચ- ૧૦૩ હર્ષદભાઇ પરમાર
એચ- ૨૦૪ શૈલેશ પટેલ
જે- ૧૦૨ ચંદ્રકાન્ત ત્રિભુવનભાઇ
જે- ૫૦૨ મદનભાઇ પુરોહિત
જે- ૪૦૪ ગજાનનભાઇ પટેલ
જે- ૩૦૨ વિજયભાઇ પટેલ
જે- ૨૦૩ પ્રકાશભાઇ પ્રફુલભાઇ
જે- ૧૦૩ પુષ્કરભાઇ પટેલ
જી- ૩૦૨ ઉમેશભાઇ સોજા

You might also like