પકવાન ચાર રસ્તા પાસેના વિવાદાસ્પદ બિલ્ડિંગ પર અાખરે હથોડા ઝીંકાયા

અમદાવાદ: લાંબા સમયથી વિવાદાસ્પદ બનેલા બોડકદેવનાં પકવાન ચાર રસ્તા પાસેના છ માળના એક ગેરકાયદે બિલ્ડિંગ પર આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હથોડા ઝીંકાયા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ આનંદીબહેન પટેલના પુત્ર સંજય પટેલની માલિકીની કહેવાતા આ બિલ્ડિંગ સામે પગલાં લેવાનો છેક ગાંધીનગરથી આદેશ થતાં અત્યાર સુધી આ મામલે ખચકાટ અનુભવતા મ્યુનિસિપલ તંત્રએ ઓપરેશન ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. તંત્રએ કડક પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરેલી આ કામગીરી સંદર્ભે જોકે પ્રારંભમાં ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાયો હતો. આ લખાય છે ત્યારે હજુ પણ આ કામગીરી ચાલુ છે.

નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના પકવાન ચાર રસ્તા પાસે આવેલ છ માળના આ ગેરકાયદે બિલ્ડિંગ પર આજે વહેલી સવારથી જ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓએ એક જેસીબી મશીન તેમજ એક દબાણની ગાડી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની મદદ લઇને તેને તોડવાની કામગીરી હાથ ધરતાં સ્થળ પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

આનંદીબહેન પટેલના પુત્ર સંજયની માલિકી ધરાવતા આ બિલ્ડિંગની ઓળખ હોવાનું ચર્ચાતું રહ્યું છે, જોકે તંત્રના ચોપડે અન્ય કોઇની માલિકી હોવાનું નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ કબૂલે છે. બોડકદેવ ટીપી સ્કીમ નં.પ૦ના ફાઇનલ પ્લોટ નં.૩રપમાં આવેલા આ બિલ્ડિંગને ગ્રાઉન્ડ ફલોર સુધીની માન્યતા અપાઇ હતી, પરંતુ ગ્રાઉન્ડ ફલોરના બદલે બિલ્ડિંગના માલિકોએ વધારાના પાંચ માળ ચણી લેતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.

આધારભૂત સૂત્રો વધુમાં જણાવે છે કે કોર્નર પરના ફાઇનલ પ્લોટ નં.૩રપમાં બાંધકામની પરવાનગી કાયદેસર આપી શકાય તેમ ન હોવાની ખબર હોવા છતાં જમીન માલિકે પહેલાં આ મોકાની જગ્યા વેચવાની કોશિશ કરી હતી ત્યારબાદ અન્ય એક કંપની સાથે ભાડા કરાર પણ કર્યા હતા, પરંતુ ભાડા કરારનો મુદ્દો પણ એક સમયે ઘોંચમાં પડ્યો હતો.

બાંધકામ થઇ શકે તેમ ન હોઇને જમીન માલિક બિલ્ડરે તેની રાજકીય વગના જોરે બિનધાસ્ત આખું પાંચ માળનું બાંધકામ લોખંડના ગર્ડર પર ઊભું કરી દીધું હતું, પરંતુ રાજ્ય સરકારમાં આ બિલ્ડરની મનમાની થવાના મુદ્દે અસંખ્ય ફરિયાદો થતાં છેવટે ગાંધીનગરથી ડિમોલિશનના આદેશ થયા હતા. સચિવાલયનાં સૂત્રો વધુમાં કહે છે બિલ્ડરને વારંવાર સૂચના અપાઇ હતી કે બાંધકામને બંધ કરવામાં આવે.

આમ છતાં વધુ જોરશોરથી કામ થતું હોવાનું જણાતાં ગાંધીનગરથી આવેલા સીધા આદેશના પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓને આ બાંધકામ હટાવવાની ફરજ પડી હતી. જોકે આની પહેલાં બિલ્ડર દ્વારા લાગવગ લગાવવાના અનેક પ્રયાસો થયા હતા.

નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે વહેલી સવારના ૪-૦૦ વાગ્યાથી સ્ટીલ સ્ટ્રકચર ધરાવતી આ ગેરકાયદે બિલ્ડિંગને તોડી પાડવા માટે એક જેસીબી મશીન કામે લગાવાયું હતું. તંત્રના અનુરોધના પગલે વહેલી સવારથી જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ડિમોલિશનનાં સ્થળ પર તહેનાત કરી દેવાયો હતો. જેના પગલે આ લખાય છે ત્યાં સુધી તંત્રની આ કામગીરીમાં કોઇ વિઘ્ન ઊભું થયું નથી.

એસ્ટેટ વિભાગનાં સૂત્રો કહે છે કે આ બિલ્ડિંગને તોડી પાડવા માટે છેક જાન્યુઆરી-ર૦૧૮થી સંબંધિત દબાણકર્તાને નોટિસ ફટકારાઇ હતી. દરમિયાન વિપક્ષના કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ એવો આક્ષેપ કર્યો છે કે એક વર્ષ પહેલાં પણ આ બિલ્ડિંગ સામે કાયદેસરનાં પગલાં લેવાયાં હતાં, પરંતુ તેને ફરીથી ઊભી કરી દેવાઇ છે. બિલ્ડિંગને ગ્રાઉન્ડ ફલોર સુધીની જ માન્યતા અપાઇ છે, પરંતુ વોર્ડ ઇન્સ્પેકટરની બિલ્ડિંગના માલિક સાથેની સાઠગાંઠના કારણે તંત્રે આંખ મિચાંમણાં કર્યાં હતાં.

You might also like