અંતે પાકે. કબૂલ્યું તેની પાસે જ છે મસૂદ અઝહર એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નથી જઈ શકતો

(એજન્સી) ઈસ્લામાબાદ: આતંકવાદ સામે કાર્યવાહીના મુદ્દે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયો તરફથી જોરદાર દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાને હજુ પણ તેના ‘નાપાક’ પેંતરા બંધ કર્યાં નથી. ફરી એક વખત પાકિસ્તાને પુલવામા આત્મઘાતી હુમલાની જવાબદારી લેનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહીના સવાલ પર ભારત પાસે પુરાવાઓ માગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા અને આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે, આતંકી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં જ છે. પાક.ના વિદેશ પ્રધાને બિન્દાસ્ત જણાવ્યું હતું કે, તેમની પાસે જે માહિતી છે તે પ્રમાણે મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં જ છે અને ખુબ બીમાર છે અને બહુ તડપી રહ્યો છે. કુરૈશીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર એ હદે બીમાર છે કે તે પોતાના ઘરની બહાર પણ નીકળી શકતો નથી.

પાકિસ્તાન આતંકી મસૂદ અઝહરની ધરપકડ કરશે કે કેમ? તેવા સવાલના જવાબમાં કુરૈશીએ જણાવ્યું હતું કે, જો ભારત પાસે પુરાવાઓ હોય તો તે અમને સોંપે. જેથી પાકિસ્તાની લોકો અને ન્યાયતંત્રને સંતુષ્ટ કરી શકાય. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જે ડોઝિયર સોંપ્યું છે, તેમાં આત્મઘાતી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરતા પુરાવા પણ આપ્યા છે.

આમ છતાં પણ પાકિસ્તાન સફેદ જૂઠ બોલવાનું બંધ કરતું નથી. ખુદ જૈશે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જૈશે તેના પ્રોપેગેન્ડા અનુસાર આત્મઘાતી હુમલાખોર આદિલ ડારનો હુમલા પહેલાનો વીડિયો પણ જારી કર્યો હતો. આ વીડિયોમાં આદિલે ખુદ તે જૈશનો આતંકી હોવાની વાત કબૂલી હતી.

શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, પાકિસ્તાન ક્યારેય તણાવ વધારવા નથી ઈચ્છતું. ભારત દ્વારા હુમલા કરવાના કારણે જ તણાવ વધ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, જો ભારત એવા પુરાવાઓ આપે છે જે પાકિસ્તાનની કોર્ટને પણ મંજૂર હોય તો અમે નિશ્ચિતપણે મસૂદ અઝહર સામે કાર્યવાહી કરશું. આખરે અમારે પણ કોર્ટની ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે ચાલવાનું હોય છે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન ખુબ ગભરાઈ ગયું છે પણ હજુ તે સુધરવાનું નામ લેતું નથી. સરહદ પર હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તો પણ પાકિસ્તાનના અધિકારીઓ અને પ્રધાનો રોજ રોજ જુઠું બોલીને લોકોને ભરમાવી રહ્યા છે. મસૂદ અઝહર પાકિસ્તાનના શરણમાં જ છે એ વાત ભારત છેલ્લાં ઘણાં વર્ષથી કહેતું આવ્યું છે, પણ પાકિસ્તાને હંમેશા આ વાતનો ઈન્કાર કર્યો હતો.

You might also like