એસટીના એટીઅાઈ અને કન્ડક્ટર રૂ. ૪૫ હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: જૂનાગઢ ડિવિઝનમાં ફરજ બજાવતા એસટીના એટીઅાઈ અને કન્ડક્ટર રૂ. ૪૫ હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.  લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતા એટીઅાઈ પી.એચ. દાફડા અને કન્ડક્ટર ફિરોજ મોહમ્મદે ડિવિઝનના ડીસી કે.બી. પરમાર વતી એસટીના અન્ય કર્મચારી વી.કે. ભાદરકા પર થયેલા કેસની માંડવાણ કરવા માટે રૂ. ૪૫ હજારની લાંચ માગી હતી. અા રકમ જાંજરકા રોડ પર સ્વીકારતા ઉપરોક્ત બંને કર્મચારીઓ એસીબીના હાથે અાબાદ ઝડપાઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના ડીસી કે.બી. પરમારે એસટીના કર્મચારી વી.કે. ભાદરકા પર થયેલા પોલીસ કેસમાં માંડવાણ કરવા, સજા ન કરવા અને બદલી ન કરવા માટે રૂ. ૫૦ હજારની માગણી કરી હતી. જે પૈકી પાંચ હજાર રૂપિયા અગાઉ લઈ લીધા હતા અને બાકીના રૂ. ૪૫ હજાર લેવા માટે એટીઅાઈ દાફડા અને કન્ડક્ટરને કહ્યું હતું જે રકમ ડીસી વતી સ્વીકારતા ઉપરોક્ત બંને ઝડપાઈ ગયા હતા.

ડીસી પરમાર અમદાવાદ ખાતે રહેતા હોઈ એસીબીએ અા દિશામાં પણ તપાસ લંબાવી છે અને તેમના બેંકના ખાતાઓમાં પણ નામી-બેનામી રોકાણો મળી અાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે ડીસી પરમારની શોધખોળ શરૂ કરી છે, પરંતુ પરમાર ભુગર્ભમાં ઉતરી ગયા હોય હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. એસીબીએ એટીઅાઈ અને કન્ડક્ટરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી સઘન પુછપરછ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like