રાતે એક્ટિવા લઈ જતા યુવાનને રોકી પોલીસે બેરહેમીથી ફટકાર્યો

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક યુવકને મોડી રાતે બે પોલીસ કર્મચારીઓએ ઢોર મારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. દારૂના નશામાં ધૂત બે પોલીસ કર્મચારીઓએ યુવકને લાકડીથી ફટકાર્યો હોવાની કબૂલાત કરતો વી‌િડયો પણ વાઈરલ થયો છે. યુવક ગરબા જોઇને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે વાહન ચે‌િકંગ દરમિયાન આ ઘટના ઘટી હોવાનો યુવકે આક્ષેપ કર્યાે છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ઇસનપુર વિસ્તારમાં આવેલી પરમાત્મા સોસાયટીમાં રહેતો સચીન કમલેશભાઇ ઠાકર ગઇ કાલે ઇસનપુર ગામમાં જોગણી માતાના ગરબા જોવા માટે ગયો હતો. ગરબા જોઇને સચીન તેના મિત્ર યાજ્ઞિક સોનીને રાયપુર ઘરે ઉતારવા માટે ગયો હતો.

સચીન ઘરે પરત આવતો હતો ત્યારે ઇસનપુરના અદેબાબનગર ખાતે બે વ્યકિતએ તેને રોક્યો હતો. બન્ને વ્યકિતએ તેમની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેવું કહ્યું હતું.

બન્ને જણાએ સચીન પાસે એ‌ક્ટિવાના કાગળ માગ્યા હતા. સચીન પાસે એ‌ક્ટિવાના કાગળ નહીં હોવાથી તેને લાકડીથી ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં સચીને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી જયરાજસિંહ અને વિપુલભાઇ વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે.

સચીનના નિવેદનનો એક વી‌િડયો વાઈરલ થયો છે, જેમાં બન્ને પોલીસ કર્મચારીઓએ દારૂ પીને તેના પર હુમલો કર્યો હોવાનું તે કહી રહ્યો છે.

You might also like