મોગાદિશુમાં સરકારી ભવન પર કાર બોમ્બ હુમલોઃ ૧૦નાં મોત

નૈરોબી: સોમાલિયાની રાજધાની મોગા‌િદશુમાં એક સરકારી ભવનને નિશાન બનાવીને કરવામાં આવેલા બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા દશ લોકોનાં મોત થયાં છે અને ર૦થી વધુ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી સોમાલિયામાં સક્રિય ઇસ્લામિક આતંકી સંગઠન અલ-શબાબે સ્વીકારી છે. એક સરકારી અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી.

મોગા‌િદશુના મેયરના પ્રવક્તા અબ્દીફતહ ઉમરહલાનેએ દશ લોકો માર્યા ગયાના અહેવાલને સમર્થન આપ્યું છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વદાજીર જિલ્લા હેડક્વાર્ટરની ઇમારતને નુકસાન પહોંચ્યું છે. આ બોમ્બ વિસ્ફોટમાં દશથી વધુ કાર નાશ પામી છે.

અલ-શબાબે જણાવ્યું હતું કે તેમનું નિશાન સરકારી અધિકારીઓ હતા. અલ-શબાબના મિલિટરી ઓપરેશનના પ્રવકતા અબ્દીઆસીસ અબુ મુસાબે જણાવ્યું હતું કે વદાજીર જિલ્લા ભવન પર આત્મઘાતી કાર બોમ્બ હુમલો થયો હતો. આ ઇમારતમાં મોટા ભાગે સરકારી કર્મચારી અને અધિકારીઓ બેસે છે. મૃતકોમાં પણ અધિકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ગત સપ્તાહે અલ-શબાબના આતંકીઓએ મોગા‌િદશુમાં એક હોટલ અને નજીકની રેસ્ટોરાંમાં કાર બોમ્બ વિસ્ફોટ કરીને ૧૯ લોકોને મારી નાખ્યા હતા. અલ કાયદા સાથે સંકળાયેલ આતંકી સંગઠન અલ-શબાબ સોમાલિયાની સંઘીય સરકારના નિયંત્રણવાળા મોગા‌િદશુ અને અન્ય વિસ્તારોમાં અવારનવાર હુમલા કરે છે. આ સંગઠન પશ્ચિમ સમર્થિત સરકારને હટાવવા માગે છે અને આફ્રિકન સંઘના શાંતિ સૈનિકોને પણ હટાવવા માગે છે. તેમનું ધ્યેય દેશમાં કડક ઇસ્લામિક કાયદો લાગુ પાડવાનું છે.
http://sambhaavnews.com/

You might also like