ખગોળપ્રેમ માટે સરકારી નોકરી છોડી!

ભુજના એક ખગોળપ્રેમી ગ્રહ, નક્ષત્રોથી એટલા આકર્ષાયા કે તેના વધુ અભ્યાસ માટે પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી. આજે તેઓ સામાન્ય લોકોને ગ્રહો, નક્ષત્રોનાં દર્શન કરાવીને અંધશ્રદ્ધા દૂર કરે છે. નરેન્દ્રભાઇ જ્યારે મુંબઇમાં ભણતા ત્યારે નિઃશુલ્ક ચાલતા જ્યોતિષવર્ગમાં કુંડળીથી માંડીને ભવિષ્ય ભાખતા શિખ્યા. બાદમાં ભુજમાં આવીને જ્યોતિષમંડળની સ્થાપનામાં ભાગ ભજવ્યો. તેમને જ્યોતિષ કરતાં સંશોધનમાં વધુ રસ હતો.

ગ્રહો વિશે વધુ જાણવાની ઇચ્છાથી તેઓ ખગોળશાસ્ત્ર તરફ વળ્યા. ભુજના વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સેન્ટરના મોબાઇલ પ્લેનેટોરિયમમાં આકાશદર્શનના કાર્યક્રમ પછી કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબની સ્થાપના કરાઇ અને તેમની નવી સફર શરૂ થઈ. તેઓએ બેંગલુરુમાં ટેલિસ્કોપ વર્કશોપમાં ભાગ લઇને દૂરબીન બનાવ્યું પછી કચ્છની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય લોકોને આકાશ દર્શન કરાવતા. તેઓ રણોત્સવ સહિત આકાશદર્શનના કાર્યક્રમમાં ગ્રહો અને તારાઓ વિશે સમજાવીને અવકાશી પદાર્થો કે ગ્રહણો અંગેની અંધશ્રદ્ધાથી લોકોને વાકેફ કરે છે.

લોકો આકાશને જુએ, માણે અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તે માટે તેઓ આજીવન કામ કરવા માગે છે. તેઓ કહે છે, “જો મારી પાસે પૂરતી આર્થિક સગવડ થાય તો મોબાઇલ પ્લેનેટોરિયમ, પ્રોજેક્ટરની સુવિધાયુક્ત યુટિલિટી વ્હિકલ વસાવીને ભારતભરનાં લોકોને આકાશદર્શન કરાવુંં.”

You might also like