બાર રાશિની પ્રકૃતિ તથા પ્રભાવ

આપણું જ્યોતિષ શાસ્ત્ર બહુ અદ્ભુત છે. જ્યોતિષમાં બાર રાશિ છે. તે પ્રમાણે જે તે મનુષ્ય તથા જે તે જીવ તેમાં રાચે છે. આવો આપણે અહીં આ રાશિઓની પ્રકૃતિ તથા જે તે જીવ ઉપર તેનો પ્રભાવ જોઇએ.

મેષ: પુરુષ જાતિ, લાલ રંગ, નિસ્તેજ, ક્ષત્રિય વર્ણ તથા પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. મેષ રાશિવાળા સાહસી, જિદ્દી, અહંકારી, મહત્વાકાંક્ષી તથા નેતૃત્વ ધરાવનારા થાય છે. સેનાપતિ સૈનિકો આ રાશિમાં વધુ જોવા મળે છે.

વૃષભ: સ્ત્રી જાતિ, ગૌર વર્ણ, ક્રાંતિમાન, વૈશ્ય તથા દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. આ રાશિના જાતક વૈભવવાળા તથા ખૂબ વિલાસપ્રિય સ્વભાવના હોય છે. સમૃદ્ધ ખેડૂતો તથા ફળ-ફૂલમાં રુચિ રાખનારા તેમાં બહુ હોય છે.

મિથુન: પુરુષ જાતિ, હારિતવર્ણ, સ્વરૂપવાન, શૂદ્રવર્ણ પશ્ચિમ દિશાનાં અધિષ્ઠાત્રી છે. આ રાશિના જાતકો લલિતકળામાં પારંગત વાકચતુર, વિદ્વાન તથા ગ્રંથકાર બને છે. લેખક, પ્રોફેસર, વક્તા, કારકુન બને છે.

કર્ક: સ્ત્રી જાતિ, ગૌર વર્ણ, મોહક, વિપ્ર વર્ણ, ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. આ રાશિના જાતકો અભિનય સમ્રાટ, વિદ્યાભ્યાસુ, પ્રેમાળ તથા વિલાસપ્રિય હોય છે. જળ સાથે સંકળાયેલાં હોય તો ખૂબ સમૃદ્ધ બને છે. તેેમાં તેેઓ લેખક, બુદ્ધિમાન તથા વિદ્વાન વધુ જોવા મળે છે.

સિંહ: પુરુષ જાતિ, ગૌર, કેસરીવર્ણ આકર્ષક ક્ષત્રિય વર્ણ અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. આ રાશિના જાતકો ઉદાર તથા સ્વાતંત્ર્યપ્રિય હોય છે. અમલદાર, રાજનીતિમાં કુશળ, સેનાનિ વધુ જોવા મળે છે આ રાશિના જાતકો.

કન્યા: સ્ત્રી જાતિ, પિત્ત શ્યામ વર્ણ, દ્વિસ્વભાવ, વૈશ્ય વર્ણ તથા દ‌ક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. આ રાશિને ઓછાં સંતાન થાય છે. તેઓ કુનેહબાજ, ચતુર, ચકોર અને વાચાળ તથા વિચારક હોય છે. સાધારણ વ્યાપારી, જાસૂસ, ખાણ અને પ્રકાશન સાથે સંકળાયેલા, કલાવંત તથા પ્રેમાળ પતિ કે પત્ની બને છે.

તુલા: પુરુષ જાતિ, શ્યામવર્ણ, ચર સંજ્ઞક, શૂદ્રવર્ણ તથા પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી છે. વાયુ તત્ત્વવાળી આ રાશિના જાતકો રસિક તથા ખૂબ ચંચળ હોય છે. તેમને ઓછાં સંતાન થાય છે. તે પર્યટક ન્યાયાલય, શરીફ વધુ બને છે.

વૃશ્ચિક: સ્ત્રી જાતિ, ધવલ વર્ણ, બ્રાહ્મણ વર્ણ, ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. જળતત્ત્વ ધરાવતી આ રાશિનાં જાતકો સ્પષ્ટવક્તા, હઠિલાં, દંભી તથા પ્રતિજ્ઞાબદ્ધ રહે છે. તેઓ મોટે ભાગે રસાયણશાસ્ત્રી, ડૉકટર, વૈદ્ય, ભાંજગડિયા, રાજસેવક, કુટિલ તથા વિલાસી હોય છે.

ધન: પુરુષ જાતિ, કેસરી વર્ણ, દ્વિસ્વભાવ, ક્ષત્રિય વર્ણ તથા પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. પિત્ત પ્રકૃતિ તથા અગ્નિતત્વ ધરાવતી આ રાશિના જાતકો ગૌર તથા રૂપાળાં હોય છે. તેઓ ન્યાયી તથા અધિકારપ્રિય હોય છે. કવિ, શિલ્પી, કર્મકાંડી વધુ જોવા મળે છે.

મકર: સ્ત્રી જાતિ, ગૌર વર્ણ, ચર સંજ્ઞક, વૈશ્યવર્ણ અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. વાત પ્રકૃતિ, પૃથ્વી તત્ત્વવાળી આ રાશિના જાતકોને બહુ સંતાન થાય છે. આ રાશિના જાતકો રૂપાળા, વિલાસી તથા આનંદ પ્રિય હોય છે. તેઓ બહુ પ્રવાસ કરનારા રસિક હોય છે. સંગીતકાર, પ્રવાસી વધુ હોય છે.

કુંભ: પુરુષ જાતિ, રક્તશ્યામ, વર્ણના શૂદ્ર વર્ણ તથા પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી છે. આ રાશિના જાતકો ગૂઢ, ગંભીર, સાત્વિક, શાંત ધાર્મિક તથા નવીનતાપ્રેમી હોય છે. વકીલ, પ્રોફેસર, વીજળીક્ષેત્રે સંકળાયેલા, શરાફમાં કામ કરનારા વધુ જોવા
મળે છે.

મીન: સ્ત્રી જાતિ, ગૌર વર્ણ, દ્વિસ્વભાવ, વિપ્ર વર્ણ તથા ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. તેઓ શિસ્તપ્રિય, વાણી વર્તનમાં ચતુર હોય છે. તેઓ જળપ્રેમી, સાગરમાં સફર કરનારા, કલાકાર, શિલ્પી વધુ હોય છે.

આમ બારેય રાશિના જાતકો બહુધા કેવા હોય છે તે આપણને જાણવા મળે છે.
-શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like