યુપીની ચૂંટણીનાં આશ્ચર્યજનક પરિણામો આવશેઃ જ્યોતિષીઓએ કરેલી આગાહી

વારાણસી: દેશનાં પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે શનિવારે આ તમામ રાજ્યનાં પરિણામ જાહેર થવાનાં છે ત્યારે પરિણામ અંગે વિવિધ રાજકીય પંડિતો અને કેટલાક જ્યોતિષી આગાહી કરતાં જણાવે છે કે આ વખતે યુપીની ચૂંટણીનાં પરિણામ આશ્ચર્યજનક આવે તેવી શક્યતા છે, તેમાં પણ કેટલાક દિગ્ગજ નેતાઓ માટે આ ચૂંટણીનાં પરિણામ આંચકાજનક રહેશે તેવી આગાહી તેમણે કરી છે.

કાશી વિશ્વનાથ મંદિર ન્યાસના સભ્ય પ્રો. ચંદ્રમૌલિ ઉપાધ્યાયે જણાવ્યું છે કે ૧૧ માર્ચે મતગણતરીના દિવસે સિંહ રાશિમાં ચંદ્રમા અને રાહુની યુતિથી ગ્રહણ યોગ રચાશે. આ જ રીતે ચૂંટણી પરિણામ પર પણ ગ્રહણ લાગશે, જેમ કે ચંદ્રગ્રહણ તથા વિવિધ રાશિઓના લોકો પર તેની અસર પડશે. કેતુ નક્ષત્ર ખાસ કરીને ‍વધુ અસરકારક રહેશે. જે આકસ્મિક અને અનુમાન મુજબ થનારી ઘટનાઓ માટે જવાબદાર રહેશે. આવી સ્થિતિમાં તમામ પૂર્વાનુમાન અને આગાહી નિષ્ફળ થશે. જે કોઈ પક્ષ અથવા તેના નેતાએ વર્ચસ્વ જમાવવાનાં સ્વપ્ન સેવ્યાં હશે તે તૂટી જશે અને તમામની ખુશીઓ પર તુષારાપાત થશે. એ વાત અલગ છે કે આની અસર કોઈના પર ઓછી અને કોઈના પર વધુ પડશે. યુપી સહિત પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામ પર ગ્રહની અવળી ચાલની અસર પડે તેવી સંભાવના છે.

અખિલ ભારતીય વિદ્વત્ત પરિષદના મહામંત્રી ડો. કામેશ્વર ઉપાધ્યાયે જણાવ્યું છે કે ચૂંટણીએ જોર પકડવાથી લઈને મતગણતરીના દિવસ સુધી ગ્રહોની જે સ્થિતિ છે તેના કારણે આ વખતે પરિણામ ચોક્કસ આંચકાજનક આવશે. સત્તા મેળવવા અને સત્તામાંથી બેદખલ કરવામાં શનિ અને રાહુ ગ્રહની મુખ્ય ભૂમિકા રહે છે. ધન રાશિના શનિ અને ચંદ્રમાની અસર કોઈ રાજ્યમાં કોઈ પક્ષ માટે લાભદાયી અને અમુક રાજ્યમાં આંચકાજનક રહેશે. પંડિત દીપક માલ‌િવયના જણાવ્યા અનુસાર ઉમેદવારી, પ્રચાર અને પરિણામની જાહેરાતના દિવસે ગ્રહ નક્ષત્રની સ્થિતિ અલગ અલગ છે. આવું બહુ ઓછું જોવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like