એસોચેમ નાના વેપારીઓને GSTના પાઠ ભણાવશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર જીએસટીની તડામાર તૈયારીઓ કરી રહી છે. આગામી બીજી અને ત્રીજી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે, જેમાં પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યએ વળતરને લઈને ઉઠાવેલ પ્રશ્ન ઉકેલાઈ જવાની શક્યતા છે તો બીજી બાજુ હવે જીએસટીની અમલવારી વિલંબમાં પડે તેવી ઘટતી જતી આશંકા વચ્ચે ઉદ્યોગજગતનાં વિવિધ અગ્રણી વેપારી સંગઠનો પણ જીએસટીની તૈયારીમાં લાગી ગયાં છે.

આ અંગે એસોચેમ મુંબઈ સહિત દેશભરનાં અગ્રણી ૧૫ શહેરોમાં સંમેલન આયોજિત કરશે, જેમાં વેપારીઓને જીએસટી અંગે સમજણ પૂરી પાડવામાં આવશે. એસોચેમ પ્રસ્તાવિત જીએસટીના કાયદા અંગે પણ વેપારીને માર્ગદર્શન આપશે. આ અંગે એસોચેમે ટેલી સોલ્યુશન સાથે કરાર પણ કર્યો છે. ૨૩ માર્ચ, ૨૦૧૭ સુધીમાં દેશનાં ૧૫ શહેરો જેવાં કે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, પુણે, ઈન્દોર, કોચિન, ગોવા, કોઈમ્બતૂર, જયપુર, લખનૌ, દહેરાદૂન, ભુવનેશ્વર, જમ્મુ અને ગોહાટીમાં આ સંમેલન યોજવામાં આવશે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવિત જીએસટીને લઈને મોટા ભાગના વેપારીઓમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્પષ્ટ જાણકારીના અભાવે કેટલાક વેપારીઓ ઓનલાઈન સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. આવા સંજોગોમાં નાના વેપારીઓ માટે આ પ્રકારનાં સંમેલન ઉપયોગી પુરવાર થશે. એસોચેમ નાના વેપારીઓને પ્લેટફોર્મ પૂરું પાડશે.
http://sambhaavnews.com/

You might also like