વિધાનસભા સત્ર રાજકીય રણભૂમિ બનશે!

૨૨મી ફેબ્રુઆરીથી વિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. તે પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી રણનીતિ નક્કી ઘડી લીધી છે. કોંગ્રેસની બેઠકમાં રાજ્ય સરકારને કેમ ભીંસમાં લેવી તેનું જ્ઞાન ધારાસભ્યોને અપાયું છે. કોંગ્રેસ વિધાનસભામાં સૌરાષ્ટ્રના પીવાના પાણીથી માંડીને મુખ્યમંત્રી સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સુધીના રાજકીય મુદ્દા પર સરકારને ઘેરશે. જ્યારે ભાજપે કોંગ્રેસના આક્ષેપો સામે ગૃહમાં શું કરવું તેનું માર્ગદર્શન ધારાસભ્યોને ગુપ્ત રાહે આપી દીધું છે.

મુખ્યમંત્રીએ ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો કે તેમની કે તેમના પરિવારના સભ્યોની કોઇ સંડોવણી ભ્રષ્ટાચારમાં નથી એટલે કોંગ્રેસના આક્ષેેપનો જવાબ પથ્થર સામે ઈંટથી ગૃહમાં અને  ગૃહની બહાર આપજો. અધૂરામાં પૂરું કોંગ્રેસે આ સત્રમાં આર્થિક રીતે અનામતનું ખાનગી બિલ લાવવાની જાહેરાત કરી છે. ગૃહમાં આ બિલ દાખલ થશે તો અનામત મુદ્દે ગૃહમાં અને ગૃહ બહાર રાજકારણ ચરમસીમાએ રમાશે. ભાજપ-કોંગ્રેસની અંદાજપત્ર સત્રની તૈયારીઓથી એવું લાગે છે કે આ વખતનું અંદાજપત્ર સત્ર તોફાની જ નહીં પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાંનો શાબ્દિક જંગ પણ બની રહેશે. જેમાં વિધાનસભાની ગરમી ન લજવાય તો જ ઘણું.

હેડલી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે!
ઇશરત આત્મઘાતી બોમ્બર હતી. અમેરિકી વીડિયો લીંકની જુબાનીમાં હેડલીએ આ કર્યો તે સાથે જ ભાજપ ગેલમાં આવી ગઇ. ગુજરાત ભાજપથી લઈને કેન્દ્ર સુધી સૌએ હેડલીને હીરો બનાવી દીધો. ૨૦૦૪માં થયેલા ઇશરતના કથિત એન્કાઉન્ટરનો મામલો ફરીથી ચર્ચામાં આવતાં જ ભાજપ- કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. ભાજપ જે વાત પહેલાં કહેતી કે ઇશરત જહાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાની આત્મઘાતી હુમલાખોર હતી, તે વાત આતંકવાદી હેડલીએ
પણ કરી. જેથી પોતે સાચો હોવાનો સૌથી મોટો પુરાવો મળ્યો હોય તેમ ભાજપે કોંગ્રેસ પર માછલાં ધોવાનું શરૃ કરી દીધું. જોકે હાલ ભાજપનો સમય ખરાબ ચાલી રહ્યો છે.

હેડલીએ ભાજપની તરફેણમાં જુબાની આપી હોવા છતાં એ પ્રકારનો અતિઉત્સાહ ભાજપને ભારે પડ્યો. કારણ કે હેડલી એક આતંકવાદી છે, જેના નિવેદનની કાયદાકીય મર્યાદાઓ  પણ છે. ભાજપ સરકાર સાચી છે તેવું વર્ષો પહેલાં હાઇકોર્ટે પ્રમાણપત્ર આપ્યુ હોવા છતાં હેડલીના નિવેદનનો રાજકીય લાભ લેવાનાં પ્રયાસની ભાજપને ભવિષ્યમાં પણ આકરી ટીકા સહન કરવી પડે. આ કેસમાં સૌથી વધુ સહન કરનાર પૂર્વ આઇ.પી.એસ.અધિકારી ડી.જી.વણઝારાએ પરિપક્વતા દાખવી હોવાની ચર્ચા રાજ્યના આઇ.પી.એસ.અધિકારીઓમાં ચાલી રહી છે. વણઝારાએ સ્પષ્ટ કહ્યું કે પોતાને હેડલી જેવા આતંકવાદીના પ્રમાણપત્રની જરૃર નથી. આ નિવેદનથી ભાજપ રાજકારણ શીખે તેમ કેસ સાથે જોડાયેલા અને સરકારની સેવામાં પરત આવેલા અધિકારીઓમાં માની રહ્યાં છે.

લેટરબોંબઃ સરકાર ચલાવે છે એ આઇએએસ અધિકારી કોણ?
હાર્દિક પટેલનો ૧૨૦૦ કરોડની ઑફરવાળો પત્ર દૂરગામી અસર કરવાવાળો પુરવાર થશે. આ પત્રમાં રાજકીય ચાલ, ધમકી, સમાજ માટેની નિષ્ઠા સાથે પારિવારિક સિરિયલ જેવી હ્ય્દયસ્પર્શી અપીલનો સમન્વય જોવા મળે છે. પત્રમાં હાર્દિકે નોંધ કરી છે કે આંદોલનને તોડી પાડવા તેને ૧૨૦૦ કરોડ જેવી જંગી રકમની ઑફર થઈ, સાથે જ તેને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ બનાવવાની વાત પણ કરી છે. આમ છતાં તે સમાજહીત માટે લોભ-લાલચમાં આવ્યો નથી તેવો સ્પષ્ટ સંદેશો આપવા પ્રયાસ થયો છે. પત્રમાં સૌથી ચોંકાવનારો ખુલાસો રાજ્ય સરકારના એક આઇએએસ અધિકારી સામે કર્યો છે. પત્રમાં અધિકારીનું નામ નહીં લખીને સસ્પેન્સ ઊભું કરવાનો પ્રયાસ પણ વિવેકબુદ્ધિ સાથે જ કરાયો છે. આ અધિકારી સરકારને ચલાવે છે, તે શબ્દપ્રયોગ સરકારમાં બેઠેલા ચોક્કસ અધિકારી સામે આંગળી ચીંધે છે. હાર્દિકના આ પત્ર પછી દરેક આઇએએસ અધિકારી બીજા આઇએએસ અધિકારીને ખાનગીમાં રાજ્ય સરકાર ચલાવતાં અધિકારી વિશે પૂછી રહ્યા છે. હાર્દિકે આ અધિકારી માટે પત્રમાં લખ્યું છે કે, તે અધિકારીએ જ આંદોલન વખતે લાઠીચાર્જની સૂચના પણ આપી હતી. એટલે હાર્દિકની વાત માનીએ તો આંદોલનને જોર પકડવાનું કામ પણ આ જ આઇએએસ અધિકારીની સૂચનાથી થયું છે.

પત્રમાં અધિકારીના નામનો ઉલ્લેખ નહીં કરી સીધી જ ધમકી આપી છે કે તે તેનું નામ પણ જાહેર કરી શકે છે, તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે. જોકે અત્યારે તો હાર્દિકના પત્રવાળો આઇએએસ અધિકારી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અધિકારી કોણ છે કે જે રાજ્ય સરકાર ચલાવે છે? આ નામોનું અનુમાન કેટલાય આઇએએસ અધિકારીઓ પણ લગાવી ચૂક્યા છે. જો કે જે અધિકારી સમગ્ર સરકાર ચલાવતો હોય તે અધિકારીનું નામ મોઢા પર લાવવા કોઇ અધિકારી કે પ્રધાન પણ તૈયાર નથી.એટલે એવું ચોક્કસ લાગે કે હાર્દિકના પત્રમાં કંઈક તથ્ય પણ છે.

હિતલ પારેખ

You might also like