વિધાનસભા બેઠકોનાં ૪૭ હજાર બૂથનાં વોટ્સઅેપ ગ્રૂપ બનાવાશે

અમદાવાદ: રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠક જીતવા માટેનો લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપ હવે સોશિયલ મીડિયા પર સક્રિય થશે. સોશિયલ મીડિયાને મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવા માટે ઈલેકશન સ્ટ્રેટેજી બનાવતી એક મિટિંગ ગઈકાલે યોજાઈ હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવા માટે રાજ્યના ૪ ઝોનમાં બેઠકો શરૂ કરાઈ છે. ગઈ કાલે ભાજપ હોદ્દેદારોની મળેલી એક બેઠકમાં ૨૮મી મે ૨૦૧૭ સુધીમાં એટલે કે આગામી ૧૫ દિવસમાં રાજ્યની ૧૮૨ બેઠકના ૭,૦૦૦ બૂથના ૪૭ હજાર વોટ્સએપ ગ્રૂપ બનાવવાનો ૨૫૦૦ કાર્યકરોઓને ટાર્ગેટ અપાયો છે. એક ઝોન દીઠ ૬૦૦ કાર્યકર્તા વોટ્સએપ ગ્રૂપ બનાવવા માટે સક્રિય થશે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ઉપર શહેર, જિલ્લા અને વિધાનસભા સીટ વાઈઝ પેજ બનાવીને સરકારનાં વિકાસ કાર્યો મૂકવામાં આવશે. ઈન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમ ઉપર રણનીતિ અંગેની ચર્ચા કરવા માટેની પરથી બેઠકે આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે હેશટેગ, વીડિયોઝ, ફેસબુક પોસ્ટ મારફતે પણ ચૂંટણી જંગ લડવામાં આવશે. ઉપરાંત કોંગ્રેસના જુઠ્ઠાણાંઓનો પર્દાફાશ કરવા ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ કાર્યક્રમો અને વિકાસ કાર્યો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે. ૨૮ જૂનથી ૫ જૂન સુધીના સમયગાળામાં રાજ્યના દરેક ધારાસભ્ય પ્રદેશ મહામંત્રી અને સંગઠનના પદાધિકારીઓ ૪૭ હજાર બૂથ સુધી જશે અને વોટ્સએપ ગ્રૂપ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર સહિતની રણનીતિ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
http://sambhaavnews.com/

You might also like