GST પસાર કરાવવા ૯ મી મેના રોજ વિધાનસભાની બેઠક

ગાંધીનગર: ૧ જુલાઇથી જીએસટી લાગુ થવાને હવે માત્ર અઢી મહિના જેટલો સમય બાકી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સમગ્ર દેશમાં ગુજરાત જીએસટીની તૈયારીઓને લઇને અન્ય રાજ્યો કરતાં આગળ છે. ગુજરાતમાં GST નો કાયદો પસાર કરવા માટે ૯ મેના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવી છે. એવું ગુજરાતના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે

ગુજરાતના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગેનો કાયદો , રાજયમાં 1 જુલાઇથી અમલમાં મૂકવલા માટે ગુજરાત વિધાનસભામાં આ અંગેનું બીલ પસાર કરવાનું જરૂરી છે. જેના અંતર્ગત આગામી ૯ મી મે ના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક મળશે.

આ બાબતે પ્રદિપ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું સભાગૃહ જે ૩૧મી માર્ચના રોજ અધ્યક્ષે અચોક્કસ મુદત માટે મુલત્વી રાખ્યું છે, તેની એક દિવસની બેઠક આગામી ૯મી મે ના રોજ બોલાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અન્વયે અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા તા. ૯મી મેના રોજ વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવશે અને જાહેર હિતમાં જી.એસ.ટી ના વિધેયકની ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવશે તેમ પણ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like