વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ માટે ‘પિંક પોલિંગ બૂથ’ ઊભાં કરાશે

અમદાવાદ: ગુજરાતમાં ડિસેમ્બર-ર૦૧૭માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે મહિલાઓ માટે અલગથી પિંક પોલિંગ બૂથ રાખવાનો મહત્વનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપંચે લીધો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. વિધાનસભાની કુલ ૧૮ર બેઠકો પ્રમાણે બેઠકદીઠ એક મહિલા મથક ઊભું કરવાનું નક્કી કરાયું છે. તે મુજબ અમદાવાદ સહિત રાજ્યની તમામ બેઠકો પર એક મહિલા મતદાન બૂથ રાખવાનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ હાથ ધરાશે. હાલમાં ચૂંટણી અધિકારીઓ દરેક વિધાનસભા બેઠક વિસ્તારનો સર્વે કરી રહ્યા છે. જ્યાં સૌથી વધુ મહિલાઓ મતદાન કરી શકે તેવો વિસ્તાર પસંદ કરીને મતદાન મથક રાખી શકાય તે અંગેનો રિપોર્ટ ટૂંક સમયમાં પંચને મોકલી આપવામાં આવશે.

મહિલા મતદાન મથકમાં પ્રિસાઇ‌િંડગ ઓફિસર, કલાર્ક, પટાવાળા, પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ મહિલા કર્મચારી હશે. આગામી સપ્તાહમાં ૧૮ર વિધાનસભા બેઠકદીઠ કયા વિસ્તારમાં મહિલા મતદાન મથક હશે તે અંગેનો રિપોર્ટ તૈયાર થઇ જશે. ત્યારબાદ ફરજ પર મહિલાકર્મીઓની નિમણુંકો અંગેની યાદી તૈયાર કરાશે.

ગોવા વિધાનસભા ચૂંટણી-ર૦૧૭માં ચૂંટણીપંચે પિંક પોલિંગ બૂથનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ગોવામાં ૪૦ મહિલા મતદાન મથક તૈયાર કરાયાં હતાં તેમાં પંચને મતદાનની ટકાવારી વધી હોવા ઉપરાંત મતદાન મથક પર મહિલા મતદારોએ મતદાન માટે ભારે ધસારો કર્યો હતો. આ અનુભવના આધારે ગુજરાતમાં પણ પહેલી વાર આ પ્રયોગ હાથ ધરાશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મહિલાકર્મીઓ બુથ પર ગુલાબી ડ્રેસ કોડમાં રહેશે. મતદાન મથક પર આવનારી દરેક મહિલાનું ફૂલ આપીને વેલકમ કરાશે. મથકને ગુલાબી ઝંડા, ફુગ્ગા, રંગોળી કે અન્ય પ્રકારની સજાવટથી તૈયાર કરવામાં આવશે.

You might also like