વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને સક્ષમ મહિલા ઉમેદવારોની તલાશ

અમદાવાદ: ગાંધીનગરની ગાદી સર કરવા માટે કોંગ્રેસે દાવેદારો પાસેથી ૧પરપ જેટલા બાયોડેટા મેળવ્યા.આની સામે ૧પ૮૦થી વધુ ઉમેદવાર ફોર્મ આવ્યા હોઇ પક્ષમાં દાવેદારો કરતાં ઉમેદવારોની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી ગઇ છે. જો કે આ બાબતને હકારાત્મક રીતે લેનાર પ્રદેશ હાઇકમાન્ડ માટે વિધાસભાની ચૂંટણીમાં સક્ષમ મહિલા ઉમેદવારોને મેળવવામાં મોભે પાણી ચઢાવવા જેવું કપરું કામ બનવાનું તેની ચર્ચા ઊઠી છે.

પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા અત્યારે તમામ ઉમેદવારોના ફોર્મનું વિધાનસભાની બેઠક દીઠ સ્કુટિની ચાલી રહી છે. ત્યારબાદ હાઇકમાન્ડને બેઠક દીઠ ઉમેદવારોની સંખ્યા, ઉમેદવારોની વય, અનુભવ સહિત લાયકાતોનો સ્પષ્ટ ચિતાર મેળવશે. રાજ્યભરમાંથી પુરુષ ઉમેદવારોની સાથે સાથે અનેક મહિલા ઉમેદવારોએ પણ ચૂંટણી લડવામાં રસ દાખવ્યો છે. જોકે પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ સક્ષમ મહિલા ઉમેદવાર મેળવવાનો પડકાર ઊભો થયો છે. અમદાવાદની જ વાત કરીએ તો શહેર મહિલા કોંગ્રેસ જોઇએ તેટલી સક્રિય થઇ નથી. પ્રદેશ મહિલા કોંગ્રેસ પણ અસરકારક રાજકીય કાર્યક્રમ આપી શકી નથી. ખુદ મહિલા પ્રદેશ મહિલા કોંગ્રેસ અંદરખાનેથી કાબેલ મહિલા ઉમેદવારની પક્ષને ખોટ વરતાશે તેવી કબૂલાત કરે છે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની કુલ ૧૮ર બેઠક પૈકી મહિલા ઉમેદવારને માત્ર ૧૪ ટકા એટલે કે વધુમાં વધુ ર૬ બેઠકની ફાળવણી થશે. અગાઉ બોડકદેવના સિંધુ ભવન ખાતે યોજાયેલી પ્રદેશ કારોબારીમાં લોકસભાની બેઠક દીઠ વિધાનસભાની એક બેઠક ફાળવવાનું આશ્વાસન પક્ષના ટોચના નેતાઓએ મહિલા કોંગ્રેસને આપ્યું હતું.
પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબહેન પટેલ કહે છે, આ પ્રકારની મારી રજૂઆતને પ્રદેશ કારોબારીમાં ઉપ‌સ્થિત શંકરસિંહ વાઘેલા સહિતના ટોચના નેતાઓએ આવકારી હતી. જો કે કેટલી મહિલા ઉમેદવારોનાં ફોર્મ પ્રદેશ કાર્યાલયમાં જમા થયાં છે તેની વિગત હજુ મેળવાઇ નથી.
http://sambhaavnews.com/

You might also like