વિપક્ષને મિટાવી દેવાના CBIને આદેશોઃ કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અગ્રસચિવ રાજેન્દ્રકુમારના નિવાસ અને ઓફિસે દરોડા પડયા બાદ ઊભુ થયેલું રાજકીય વાવાઝોડુ શાંત થવાનું નામ નથી લેતુ. સીબીઆઇના દુરૂપયોગને લઇને કેજરીવાલે મોદી સરકાર ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સીબીઆઇને નિર્દેશ આપ્યો છે કે, વિપક્ષી પાર્ટીઓનુ નામોનિશાન મીટાવી દે. કેજરીવાલે કહ્યું છે કે, મને આ માહિતી સીબીઆઇના એક ટોચના અધિકારીએ આપી છે.

કેજરીવાલે કહ્યું છે કે, મને વિપક્ષી પાર્ટીઓ પર નિશાના પર લેવાની માહિતી ખુદ સીબીઆઇના અધિકારીએ આપી છે. કેજરીવાલના જણાવ્યા પ્રમાણે સીબીઆઇના અધિકારીએ મને કહ્યું છે કે, જે કેન્દ્ર સરકારની વાત ન માને તેને સીબીઆઇ થકી ખતમ કરી દેવામાં આવે. કેજરીવાલે કહ્યું છે કે, જે કેન્દ્ર સરકારને સહમતી અને સમર્થન ન આપે તેને નિશાના ઉપર લેવા અને તેને ખતમ કરી દેવા તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.

જો કે તેમણે આ ટ્વિટમાં કયાંય પણ પીએમ મોદી કે કેન્દ્રનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ સીબીઆઇને નિર્દેશ આપવાની વાત જણાવીને કેજરીવાલે અપ્રત્યક્ષ રીતે કેન્દ્રને નિશાના ઉપર લીધી છે. તેમણે સીબીઆઇના ઓફિસરનું નામ પણ જાહેર કર્યું નથી.

કેજરીવાલે એવો દાવો કર્યો હતો કે, ડીડીસીએમાં અરુણ જેટલી અધ્યક્ષ હતા ત્યારે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હતો. તેમણે આરોપ મૂકયો હતો કે, મોદી સરકાર મને નિશાના ઉપર લેવા માટે સીબીઆઇનો દુરૂપયોગ કરે છે. સીબીઆઇ રાજેન્દ્રકુમારની આડમાં ડીડીસીએની ફાઇલો જોવા મારી ઓફિસમાં આવી હતી. કેજરીવાલના આરોપોને જો કે ભાજપે ફગાવી દીધા છે.

You might also like