‘એશિયાટિક લાયન’નું નવું ઘર હવે નહીં મંડાય!

એશિયામાં એકમાત્ર ગુજરાતના ગીરમાં જ સિંહોનો વસવાટ છે. સિંહ એ માત્ર ગીરની જ નહીં ગુજરાતની પણ ઓળખ છે. જોકે ગીરના સિંહોમાંથી કેટલાંક સિંહોને મધ્યપ્રદેશના કૂનોનાં જંગલમાં લઈ જવાનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. આ મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હોવાથી યોગ્ય નિણર્ય લેવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી.

કેન્દ્રમાં યુપીએ ગઠબંધન હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં આ મુદ્દાએ એક તબક્કે રાજકીય રંગ પકડી લીધો હતો, પરંતુ હવે કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં હોઈ મધ્યપ્રદેશની ભાજપા સરકારે સિંહોને મધ્યપ્રદેશમાં લઈ જવાની જીદ છોડી હોવાના સંકેત મળ્યા છે, જેથી ગીર અને ગુજરાતના સિંહપ્રેમીઓ ઉપરાંત વન વિભાગે પણ રાહત અનુભવી છે.

સિંહોના સ્થળાંતરના મામલાને સમજતાં પહેલાં ગીરની વર્તમાન સ્થિતિ જાણવી જરૂરી છે. ગીર અભયારણ અને ઉદ્યાનનો સંયુક્ત  વિસ્તાર ૧૪૧ર ચોરસ કિલોમીટર જેટલો  છે. ર૦૧પમાં વનવિભાગે કરેલી ૧૪મી ગણતરીમાં સિંહોની સંખ્યા પર૩ નોંધાઈ હતી. માત્ર જંગલ એરિયામાં જ નહી, પરંતુ સાવરકુંડલાથી ભાવનગર સુધીના રેવન્યુ વિસ્તારમાં પણ સિંહોનો વસવાટ છે. એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશ સિંહોને કુદરતી રીતે અનુકૂળ આવ્યો હોય તે એશિયામાં સિંહોનો એકમાત્ર વસાહત બની છે.

અહીંનું ઝાડી-ઝાંખરાંવાળું જંગલ સિંહોને માફક આવી ગયું છે, જેથી સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે અને ગીરના સિંહ એશિયાટિક લાયન તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યા છે. વાઈલ્ડ લાઈફ સાથે જોડાયેલા તજજ્ઞોના કહેવા મુજબ હજારો વર્ષ પહેલાં ઈજિપ્ત અને ઈરાનથી સિંહોને ભારતમાં લાવીને કેટલાક પ્રદેશોમાં વસાવાયા હતા, પરંતુ એકમાત્ર ગીરમાં જ સિંહો સલામત રહી શક્યા અને તેનું સંવર્ધન પણ થયું છે. સૌરાષ્ટ્રમાં ગીર ઉપરાંત હિંગોળગઢથી પાલિતાણા સુધીની પટ્ટી અને જામજોધપુર પાસેનો ડુંગર એરિયા એ સંપૂર્ણ  લાયન વિસ્તાર છે. ભવિષ્યમાં સિંહોના સ્થળાંતરની વાત છેડાય તો સૌરાષ્ટ્રના જ આવા અન્ય વિસ્તારોમાં તેને સમાવી શકાય.

સિંહોના સ્થળાંતરનો મુદ્દો કેમ ઊઠ્યો?
હાલ ભારતમાં એકમાત્ર ગીરમાં જ સિંહોનો વસવાટ છે. કેટલાક વન અને પર્યાવરણવાદીઓએ ગીરના સિંહોમાં ભવિષ્યમાં કોઈ રોગચાળો ફેલાય કે મોટી કુદરતી આફત આવે તો આખી સિંહોની પ્રજાતિ નાશ પામે તેવી ભીતિ સેવી હતી. આમ,ગીરમાં સિંહોની જાતિ સલામત ન હોવા મુદ્દે તેઓએ કેટલાક સિંહોને ભારતનાં અન્ય જંગલોમાં મોકલી સિંહની નવી વસાહતો બનાવવા માગણી કરી હતી. આ માટે તેઓએ આફ્રિકાનાં જંગલોમાં એક સમયે ઝેરી મધમાખીમાંથી ફેલાયેલા રોગચાળાથી થયેલા ૯૦ સિંહોનાં મૃત્યુનું તથા ૧૯૯૩માં સીડી (કેનાઇન ડિસ્ટેમ્પર) નામના વાઇરસે પણ એક હજારથી વધુ સિંહોનો ભોગ લીધો હોવાનાં કારણો આગળ ધર્યાં હતાં. આમ, કોઈ એક સ્થળે સિંહોની વસાહત હોય તો પ્રજાતિ પર જોખમ હોવાનું તેઓએ કહ્યું હતું.

મધ્યપ્રદેશ સરકારનું વલણ બદલાયું
આથી ગીરમાં સિંહોની સલામતી મુદ્દે સવાલો ઊઠ્યા હતા, જેથી મધ્યપ્રદેશ સરકારે કૂનોનાં જંગલોમાં કેટલાંક સિંહોને લઈ જવાની દરખાસ્ત ગુજરાત સરકારને કરી હતી. આ મામલે કાનૂની વિવાદો પણ થયા હતા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે સુપ્રીમે બનાવેલી સમિતિએ તેનો અંતિમ નિર્ણય હજુ આપ્યો નથી, પરંતુ મધ્યપ્રદેશ સરકારે હવે તેના વલણમાં ફેરફારનો સંકેત આપ્યો છે. મધ્યપ્રદેશ સરકાર હવે કુનોમાં સિંહોનો વસવાટ કરાવવાને બદલે વાઘોનું સંવર્ધન કરવા માગે છે.

આ મુદ્દે સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ  સભ્ય રવતુભા રાયજાદા કહે છે, “સિંહોને કૂનોનાં જંગલમાં લઈ જવાની જીદ મુદ્દે મધ્યપ્રદેશ સરકારે તેનું વલણ બદલ્યું છે તે આવકારદાયક છે.

પયાર્વરણ કોઈ એક જાતિ- પ્રજાતિનો પ્રશ્ન નથી. સિંહ, વાઘ કે દીપડા જ નહીં માનવી પણ આ દાયરામાં આવી જાય છે, એ સમજ મુદ્દે ચર્ચા અને અભ્યાસ થવો જોઈએ. સિંહોનો મુદ્દો સ્થાનિક લોકો સાથે જોડાયેલો છે. ગીરની પ્રજા સાથે સિંહોનું જે એટેચમેન્ટ છે તેવું બીજે ન હોવાથી સિંહો અન્યત્ર ટકી શકતા નથી. ગીરમાં સિંહો સલામત હોવાનું કારણ  વૈજ્ઞાનિક નહીં પરંતુ ભાવનાત્મક છે.”

એશિયાટિક લાયન પ્રોટેક્શન સોસાયટીના પ્રમુખ કમલેશ અઢિયા કહે છે, “ગીરના સિંહોનું ઘર હવે નહીં બદલાય તેવા અહેવાલ મળ્યા એ ગીર અને ગુજરાત બંને માટે ગૌરવની વાત છે. જોકે ભવિષ્યમાં સિંહોની સલામતી ન જોખમાય તે માટે ગુજરાત સરકારે સતર્ક રહેવું પડશે. ખાસ તો ઈનબ્રીડિંગ એ મોટું જોખમ છે. જંગલની બહાર નીકળી રહેલા સિંહોને પ્રોટેક્ટેડ વિસ્તારમાં લાવવા વનવિભાગે પગલાં હાથ ધરવાં જોઈએ.”

અગાઉ નિષ્ફળ પ્રયાસો થયા હતા
તો સાસણમાં અને રાજકોટ ઝૂના વડા રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી ડૉ. એમ.જી.મારવાડિયા કહે છે, “મધ્યપ્રદેશના બદલાયેલા વલણથી ગીર અને ગુજરાતની ઓળખ જળવાઈ રહેશે. અગાઉ પણ ગીરના સિંહોને ભારતનાં અન્ય રાજ્યોમાં લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ થયા ન હતા. ૧૯મી સદીની શરૂઆતમાં ગ્વાલિયરના રાજવી દ્વારા ગ્વાલિયર અને શિવપુરીની આસપાસનાં જંગલોમાં આફ્રિકન સિંહોને લાવીને વસાવવાનો અખતરો કરાયો હતો, પરંતુ તેમાં સફળતા મળી નહોતી.

આ જંગલોમાં વાઘનો વસવાટ હોવાથી વાઘ અને સિંહો સાથે રહી શકતા ન હોવા ઉપરાંત શિકારીવૃત્તિ જેવાં કારણોને જવાબદાર ઠેરવાયાં હતાં. મધ્યપ્રદેશ ઉપરાંત દક્ષિણમાં ચંદ્રભાગાનાં જંગલોમાં પણ ૧૯પ૭માં સિંહોને લઈ જવાયા હતા, પરંતુ ત્યાં પણ સિંહોનું જતન થઈ શક્યું નહોતું. આમ, અનેક પ્રયત્નો પછી સિંહો માટે ગુજરાતના ગીર સિવાય કોઈ વિસ્તાર સલામત ન હોવાનું સાબિત થયું છે. કુદરતી અને માનવીય અભિગમ બંને રીતે ગીર વિસ્તાર સિંહો માટે સાનુકૂળ હોવાથી તે સિંહોનું ઘર રહ્યો છે. મધ્યપ્રદેશ સરકારે બદલેલા વલણથી સિંહોનું ઘર હવે નહીં બદલાય તેમ હાલ તો લાગી રહ્યું છે.
દેવેન્દ્ર જાની

You might also like