એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો, ફરીથી ચા વેચવા મજબૂર હરીશ

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતે શાનદાર દેખાવ કરીને ઇતિહાસ રચી દીધો. ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ સાથે આ એશિયન ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું.

એક તરફ દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓનું અમુક રાજ્ય સરકારો સન્માન કરીને મોટી રકમનું ઇનામ આપીને ઉત્સાહ વધારી રહી છે, જ્યારે કેટલાક ખેલાડી એવા પણ છે, જેઓ મેડલ જીતવા છતાં ઘરનું ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યા છે.

આઘાત પહોંચાડનારી કહાણી છે દિલ્હીના હરીશકુમારની. મજનૂં ટીલામાં ચાની એક દુકાનમાં ચા બનાવનારા હરીશે એશિયન ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ તો રોશન કર્યું, પરંતુ હવે ફરીથી તેની જિંદગી એ જ ચાની દુકાન પર પસાર થઈ રહી છે.

હરીશ બ્રોન્ઝ મેડલ જીતનારી સેપકટકરા ટીમનો હિસ્સો હતો. ૨૩ વર્ષીય આ ખેલાડી પોતાની ટીમ (હરીશ, સંદીપ, ધીરજ, લલિત) સાથે ઇન્ડોનેશિયાથી મેડલ જીતીને ભારત પાછો ફર્યો.

દિલ્હીના આ ખેલાડીઓનું સ્વાગત કરવા માટે સરકાર તરફથી કોઈ આવ્યું નહોતું એટલું જ નહીં, એરપોર્ટથી લઈ જવા માટે એક બસની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. લોકોએ ફાળો એકઠો કરીને બસની વ્યવસ્થા કરી આપી. બસ સ્ટાર્ટ થતાં જ બંધ થઈ ગઈ. પછી બસ ચાલુ કરવા ખેલાડીઓએ ધક્કા મારવા પડ્યા.

ઘેર પાછા ફર્યા પછી થોડા કલાકો જશ્નનો માહોલ રહ્યો. સાંજ થતાં સુધીમાં બધું જ બદલાઈ ગયું. હરીશ રોજની જેમ પોતાની એ ચાની દુકાને ગ્રાહકોની જી-હજૂરી કરવામાં લાગી ગયો.

હરીશે જણાવ્યું, ”આ મારા પિતાની ચાની દુકાન છે અને એ જ અમારા પરિવારની કમાણીનું એકમાત્ર સાધન છે. મારા ઘરમાં બે બહેનો છે, જે બંને દૃષ્ટિહીન છે. આથી ઇન્ડોનેશિયાથી આવીને તરત જ પિતાની મદદ કરવાનું શરૂ કરી દીધું.”

જ્યારે હરીશને પૂછવામાં આવ્યું કે શું સરકાર તરફથી કોઈ નોકરીની ઓફર મળી છે કે કેમ? ત્યારે હરીશે જણાવ્યું, ”સરકાર તરફથી મને કંઈ જ કહેવામાં આવ્યું નથી.” સરકારની જવાબદારી છે કે મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા ખેલાડીની મદદ કરે અને ખેલાડીને પ્રોત્સાહન આપે.

You might also like