એશિયન ગેમ્સઃ ભારતીય મહિલા કબડ્ડી ટીમે જીતની હેટ ટ્રિક લગાવી

જકાર્તાઃ ભારતીય મહિલા કબડ્ડી ટીમે આજે એશિયન ગેમ્સના ત્રીજા દિવસે જીતની હેટ ટ્રિક લગાવી છે. ભારતે પોતાની ત્રીજી મેચમાં શ્રીલંકાને ૩૮-૧૨ના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. આ પહેલાં ભારતે પોતાની પ્રથમ મેચમાં જાપાન અને પછી થાઇલેન્ડને પરાજય આપ્યો હતો.

ભારતની બધી મહિલા ખેલાડીઓએ શ્રીલંકા સામે દમદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાને બીજા હાફમાં પોતાના પોઇન્ટની સંખ્યા ૧૦થી વધુ કરી નાખી હતી, જ્યારે ભારતીય ટીમ શરૂઆતથી જ મજબૂત રહી હતી. પહેલા હાફમાં તેણે ૨૩-૪ની સરસાઈ બનાવી લીધી હતી. બીજા હાફમાં ભારતીય ટીમે કોઈ જોખમ નહીં ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની આક્રમક રમતની શૈલીને થોડી હળવી કરી નાખી હતી.

મધુ અને પ્રિયંકાએ શાનદાર તાલમેલ સાથે શ્રીલંકન રેડરને ઘેરી અને ભારતને પોઇન્ટ અપાવી દીધો હતો. શ્રીલંકન સ્ટ્રાઇકરે ભારતીય રેડરને આઉટ કરી હતી. ત્યાર બાદ શ્રીલંકાએ સફળ ટેકલ કર્યું અને સ્કોર ૧૨-૩૮ કરી દીધો. શ્રીલંકા રેડરે બોનસ પોઇન્ટ હાંસલ કર્યો, પરંતુ કવિતાના શાનદાર ડિફેન્સન સામે તેને હાર માનવી પડી હતી.

ભારતે શ્રીલંકા પર શરૂઆતથી જ દબાણ લાવી દીધું હતું. રમત દરમિયાન ભારતીય રેડર્સે ઘણા બોનસ પોઇન્ટ હાંસલ કર્યા અને શ્રીલંકાને પોઇન્ટ લેવા દીધા નહોતા.

સમગ્ર મેચ દરમિયાન રણદીપ, પાયલ અને સાક્ષીની ત્રિપુટીએ શ્રીલંકાની ટીમને હેરાન-પરેશાન કરી નાખી હતી અને ગ્રૂપ-એમાં છ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. હવે ભારતીય ટીમનો મુકાબલો આજે જ યજમાન ઇન્ડોનેશિયા સામે થશે.

• ભારતીય સ્વિમર વીરધવલ ખાડેએ પુરુષોની ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે આ સ્પર્ધામાં સામેલ એક અન્ય ભારતીય સ્વિમર અંશુલ કોઠારી આગળ નીકળી શક્યો નહોતો અને તેણે ૨૮મું સ્થાન હાંસલ કર્યું હતું. વીરધવલે ૨૨.૪૩ સેકન્ડનો સમય લઈને હિટ-ફાઇવમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ કારણે તે અંતિમ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.

• પોતાને મળેલી બીજી તકનો ભરપૂર ફાયદો ઉઠાવીને ભારતીય ખેલાડી દત્તુ ભોકાનાલે નૌકાયાનની સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રીપચેઝમાં મળેલી તકમાં દત્તુએ જોરદાર સંઘર્ષ કરતા સાત મિનિટ અને ૪૫.૭૧ સેકન્ડનો સમય લઈને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. દત્તુ ફાઇનલમાં પહોંચતાં ભારત માટે એક મેડલની આશા જળવાઈ રહી છે. આ સ્પર્ધાની અંતિમ યાદીમાં દત્તુ બીજા સ્થાને રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનાે કિમ ડોંગયોંગ પ્રથમ સ્થાને છે.

You might also like