એશિયન ગેમ્સની ગોલ્ડ વિજેતા પ્રિયંકા પર આઠ વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારતની ૪૦૦ મીટરની ટોચની રનર પ્રિયંકા પવાર પર પ્રતિબંધક શક્તિવર્ધક પદાર્થ લેવા માટે દોષી ઠર્યા બાદ ગઈ કાલે આઠ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, જેના કારણે તેની કરિયર લગભગ ખતમ થઈ ગઈ. ૨૦૧૪ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ૪૦૦x૪ મીટર મહિલા રિલેમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રિયંકા ગત વર્ષે આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધા દરમિયાન પ્રતિબંધિત પદાર્થ લેવા માટે દોષી ઠરી હતી. આથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

૨૯ વર્ષીય પ્રિયંકાને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ની શિસ્ત સમિતિએ પ્રતિબંધની સજા સંભળાવી હતી. પ્રિયંકાના ગત વર્ષે થયેલા પરીક્ષણના પરિણામના આધારે નાડા સમિતિએ આ ચુકાદો આપ્યો હતો. નાડા પ્રમુખ નવીન અગ્રવાલે કહ્યું, ”જુલાઈ-૨૦૧૬થી આઠ વર્ષ માટે પ્રિયંકાને પ્રતિબંધિત કરવામાં આવી છે.”

પ્રિયંકાનું સેમ્પલ મેફેનટેરમાઇન માટે પોઝિટિવ મળી આવ્યું હતું. નાડા સંહિતા અનુસાર જો કોઈ ખેલાડી ડોપિંગ વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરતાં બીજી વાર પકડાય તો તેના પર આઠથી લઈને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે. આ પહેલાં પ્રિયંકા વર્ષ ૨૦૧૧માં થયેલા ડોપ પરીક્ષણમાં પાંચ અન્ય એથ્લીટ સાથે એનાબોલિક સ્ટિરોઇડ લેવા બદલ દોષી ઠરતાં તેને બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી.

You might also like