એશિયન ગેમ્સમાં ભારતનો વધુ એક ડંકો, જોનસને 1500મી. દોડ અને 4×400માં મહિલા ટીમે અપાવ્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતે વધુ એક વખત પોતાનો `પરચમ’ લહેરાવ્યો છે. ભારતે વધુ એક વાર ગોલ્ડ મેડલ હાંસલ કરીને વિશ્વમાં પોતાનો ડંકો વગાડયો છે. ત્યારે ગુજરાતની એક મહિલા સ્પર્ધક સરિતા ગાયકવાડે ભારતનું બહુમાન વિશ્વસ્તરે ગોલ્ડ મેડલ અપાવીને વધાર્યું છે. ડાંગની સરિતા ગાયકવાડે 4×400 મીટરની દોડમાં ફતેહ હાંસલ કરી છે. આમ; એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ 13 ગોલ્ડ મેડલ મળ્યાં છે.

મહત્વનું છે કે ભારતીય દોડવીર જિનસન જોનસને 18માં એશિયન રમતોત્સવમાં 12 દિવસે ગુરૂવારે પુરૂષોની 1500મી.ની દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલાઓની 4×400 મીટરની રિલે દોડમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.

જિનસને 3 મિનિટ 44.72 સેકન્ડમાં જ રેસ પુર્ણ કરીને સોનું પોતાનાં નામે કર્યું. ઈરાનનાં અમીર મુરાદીએ 3 મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહેરીનનાં મોહમ્મદ તૌલાઈએ 3 મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 800 મીટરમાં ભારત માટે ગોલ્ડ જીતનારો મનજીત સિંહ ચહલ 3 મિનિટ 46.57 સેકન્ડ સાથે ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. જિનસને 800મીટરમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

ત્યારે અગત્યની બાબત છે કે મહિલાઓની 4×400 મીટરની રિલે સ્પર્ધામાં ભારતની હિમા દાસ, પુવમ્મા રાજુ, સરિતાબેન ગાયકવાડ અને વિસમાયા વેલુવાકોરોધની જોડીએ 3 મિનિટ 28.72 સેકન્ડનાં સમય સાથે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતનો આ 13મો અને એથ્લેટિક્સમાં 7મો ગોલ્ડ હાંસલ થયો છે.

You might also like