Asian Games 2018: મેડલ વિજેતાઓનું સરકારે કર્યું સન્માન, ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ન્યૂ દિલ્હીઃ ભારત સરકારે ગઈ કાલે જકાર્તા એશિયન ગેમ્સનાં મેડલ વિજેતાઓનું સન્માન કર્યું. ભારતે ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ જીતીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને રૂ. ૩૦ લાખ, સિલ્વર મેડલ વિજેતાઓને ૨૦ લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને ૧૦ લાખ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, રમતગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોર, કેન્દ્રીય પ્રધાન કિરન રિજિજુ, મહેશ શર્મા વગેરે હાજર રહ્યાં હતાં. રાજ્યવર્ધનસિંહ રાઠોરે જણાવ્યું કે, ”એશિયન ગેમ્સમાં ખેલાડીઓનાં સારાં પ્રદર્શન બાદ ૨૦૨૦ ટોકિયો ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તમે બધાએ દેશને ગૌરવ અપાવ્યું છે, પરંતુ રસ્તો હજુ પૂરો થયો નથી. તમે ફક્ત આ મેડલથી સંતુષ્ટ થઈ શકો નહીં. તમારે હવે એ વિચારવાનું છે કે ભવિષ્યમાં અમે શું કરીશું.”

રાજનાથે દરેક મેડલ વિજેતાઓને શુભકામના પાઠવી અને કહ્યું કે, તે સમય હવે દૂર નથી કે જ્યારે ભારત દુનિયામાં ખેલ જગતમાં મહાશક્તિ બનશે. રાજનાથે વધુમાં જણાવ્યું કે,”હું દરેક મેડલ વિજેતાઓને શુભકામના પાઠવું છું અને દરેકને મારા તરફથી શુભકામના.”

You might also like