એશિયા ઈંગ્લિશ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો

અમદાવાદ: શહેરના ડ્રાઈવઈન રોડ પર અાવેલી અેશિયા ઈંગ્લિશ સ્કૂલમાં અાજે સવારે ફી મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ અાક્ષેપ કર્યો હતો કે સ્કૂલ સંચાલકો દ્વારા ફી મુદ્દે તેમનાં બાળકોને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં અાવે છે અને જે યોગ્ય ફી છે તે એડ્વાન્સમાં ભરી દેવા દબાણ કરવામાં અાવી રહ્યું છે. અા મુદ્દે વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે બેઠક પણ યોજાઈ હતી.

મળતી માહિતી મુજબ એક અઠવાડિયા અગાઉ એશિયા ઈંગ્લિશ સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી બાબતે બેઠક યોજાઈ હતી જેમાં સરકારે નિયત કરેલાં ધારાધોરણ મુજબ ફી લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ અાજે સવારે એશિયા ઈંગ્લિશ સ્કૂલમાં જઈ વાલીઓએ હોબાળો મચાવી સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલમાં અપાતી પ્રાથમિક સુવિધાઓ બંધ કરવાનું અને નવા નિયમ મુજબ ફી એડ્વાન્સમાં ભરી દેવામાં અાવે તેવું દબાણ કરવામાં અાવતું હોવાના અાક્ષેપો કર્યા હતા.

જોકે સ્કૂલ સંચાલકોએ અાક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે બાળકોને કોઈપણ રીતે માનસિક રીતે હેરાન કરવામાં અાવતા નથી. ત્રણ મહિના અગાઉ એડવાન્સમાં ફી માગવામાં અાવી છે તે સ્કૂલના મેનેજમેન્ટ માટે માગવામાં અાવી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ડીપીએસ અને અમ્રિતા સ્કૂલમાં વાલીઓએ ફી મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને અાખરે સંચાલકોએ ઝૂકવું પડ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like