એશિયાની પહેલી ડે નાઇટ ટેસ્ટમાં પાકિસ્તાનની મજબૂત શરૂઆત

દુબઈઃ અઝહર અલીના અણનમ ૧૪૬ રન અને સમી અસલમ (૯૦) સાથેની શાનદાર ભાગીદારીને કારણે પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ એશિયાની પહેલી ડે નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત શરૂઆત કરી છે. ગુલાબી બોલથી રમાતી આ ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ દિવસની રમત પૂરી થઈ ત્યારે એક વિકેટના ભોગે ૨૭૯ રન બનાવી લઈને મજબૂત સ્થિતિ હાંસલ કરી લીધી છે. રમત પૂરી થઈ ત્યારે અઝહર અલી (અણનમ ૧૪૬)ની સાથે અસદ શફીક ૩૩ રને રમી રહ્યો છે. પાકિસ્તાનની આ ૪૦૦મી ટેસ્ટ છે.

પાકિસ્તાનના ઓપનર સમી અસલમ અને અઝહર અલીએ શાનદાર શરૂઆત કરતાં પહેલી વિકેટની ભાગીદારીમાં ૨૧૫ રન જોડ્યા હતા. આ પાકિસ્તાન તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ પહેલાં અહમદ શહજાદ અને મહંમદ હફીઝે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૨૦૧૪માં અબુધાબીમાં ૧૭૮ રનની ભાગીદારી નોંધાવી હતી. સમી અસલમ ફક્ત ૧૦ રનથી તેની સદી ચૂકી ગયો હતો અને રોસ્ટન ચેસનો શિકાર બન્યો તો. ત્યાર બાદ ૧૧મી સદી ફટકારનારા અઝહર અને અસદ બીજી વિકેટ માટે ૬૪ રન જોડી ચૂક્યા છે. પ્રથમ દિવસની રમતના અંતે પાકિસ્તાને એક વિકેટે ૨૭૯ રન બનાવી મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.

You might also like