એશિયા કપઃ કાલે પહેલી મેચમાં ભારત સામે ત્રણ મોટી પરેશાની

મીરપુરઃ સતત બે ટી-૨૦ શ્રેણી જીત્યા બાદ ટીમ ઇન્ડિયા આવતી કાલથી એશિયા કપમાં બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે. પહેલી વાર એશિયા કપ વન ડેના બદલે ટી-૨૦ ફોર્મેટથી રમાવાનો છે, પરંતુ એની પહેલાં ટીમ ઇન્ડિયાની પરેશાની વધી ગઈ છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમ ઇન્ડિયા માટે આ બહુ જ મોટો ઝટકો છે. ધોનીના ન રમવાની સ્થિતિમાં ટીમ ઇન્ડિયાની જીત પર અસર પડી શકે છે. ધોની એક અનુભવી ચકોર કેપ્ટન છે અને તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા ઘણી ટૂર્નામેન્ટ જીતી ચૂક્યું છે. હવે જો ધોની આવતી કાલે નહીં રમે તો વિરાટ કોહલી ઉપર એક અલગ જવાબધારી આવી પડશે.

ધોનીના ઈજાગ્રસ્ત થવાથી ટીમ ઇન્ડિયાનો મધ્ય ક્રમમાં ગરબડ વ્યાપી જશે. ધોની ભારતીય બેટિંગના અંતિમ વિશ્વાસપાત્ર બેટ્સમેનના રૂપમાં મેદાનમાં ઊતરે છે. હંમેશાં રૈના બાદ ધોની પર મેચ ફિનિશ કરવાની જવાબદારી હોય છે. ધોનીની ગેરહાજરીમાં કોહલી કે રૈનાએ અંત સુધી રહેવું પડશે. ધોની બાદ યુવરાજસિંહ અને હાર્દિક પંડ્યા આવે છે, પરંતુ તેઓ ખાસ ફોર્મમાં નથી.

આવતી કાલની મેચમાં જો ધોની નહીં રમે તો પાર્થિવને ટીમમાં સામેલ કરવો પડશે. આ સ્થિતિમાં સૌથી મોટી મુશ્કેલી તેની બેટિંગ પોઝિશનને લઈને સર્જાશે. પાર્થિવ ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં રમે છે, પરંતુ રોહિત અને શિખરને કારણે તેને એ સ્થાન પર બેટિંગમાં ઉતારવો ટીમ ઇન્ડિયાના હિતમાં નહીં જ હોય. આથી તે ધોનીના સ્થાને જ બેટિંગમાં આવે તે જ વધુ હિતાવહ રહેશે.

• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપમાં ૧૯૮૮થી ૨૦૧૪ દરમિયાન ૧૦ મેચ રમાઈ છે, જેમાંથી ભારતના ખાતામાં નવ મેચ અને બાંગ્લાદેશના નામે એક મેચમાં જીત નોંધાઈ છે.
• એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશનો એકમાત્ર મુકાબલો ૧૯૯૦માં ખેલાયો હતો. એ મુકાબલામાં ભારતના નવજોતસિંહ સિદ્ધુએ સદી ફટકારી હતી. ભારતે એ મેચ નવ વિકેટથી જીતી લીધી.
• બંને ટીમ વચ્ચે એક ખાસ વાત એ રહી છે કે બંને ટીમે લક્ષ્યનો પીછો કરતાં જીત હાંસલ કરી છે. બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ રમાયેલા ૧૦ મુકાબલામાંથી એકમાત્ર મુકાબલામાં જીત નોંધાવી હતી એ પણ લક્ષ્યનો પીછો કરતા.
• એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ચાર મેચ તો એકતરફી રહી હતી. ૧૯૮૮થી ૧૯૯૭ સુધી ચારેય એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને નવ વિકેટથી હરાવ્યું હતું. એક ખાસ વાત એ પણ છે કે અઝહરની કેપ્ટનશિપમાં ભારત એશિયા કપમાં બાંગ્લાદેશ સામે બે વાર ટકરાયું છે અને બંને વાર નવ વિકેટથી જીત હાંસલ
કરી છે.

You might also like