ચોથી ટેસ્ટમાં અશ્વિનના રમવા પર શંકાઃ જાડેજાને તક મળશે?

લંડનઃ ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને યજમાન ટીમને જબરદસ્ત જવાબ તો જરૂર આપી દીધો છે, પરંતુ ચોથી ટેસ્ટ પહેલાં એક માઠા સમાચાર મળી રહ્યા છે.

મીડિયામાં ચાલી રહેલી અટકળો મુજબ ૩૦ ઓગસ્ટથી સાઉથમ્પ્ટનમાં શરૂ થનારી ચોથી ટેસ્ટમાંથી ઓફ સ્પિનર આર. અશ્વિન બહાર થઈ શકે છે. ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં અશ્વિનને ગ્રોઇન થવાથી તે ઘણો સમય મેદાનની બહાર રહ્યો હતો.

હાલ અશ્વિનની ઈજાની સારવાર ચાલી રહી છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ તે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ અશ્વિનને ચોથી ટેસ્ટમાં આરામ આપી શકે છે. હવે સવાલ એ છે કે અશ્વિનના સ્થાને ટીમમાં સામેલ કોણ થશે? જોકે આ રેસમાં રવીન્દ્ર જાજેડાનું નામ સૌથી આગળ છે.

જાડેજા એક ઓલરાઉન્ડર છે અને વર્તમાન ટેસ્ટ રેન્કિંગમાં તે દુનિયાનો નંબર ત્રણ બોલર પણ છે. રેન્કિંગ અનુસાર જાડેજા દુનિયાનો નંબર વન સ્પિનર પણ છે. જાડેજાની રેન્કિંગ આટલી શાનદાર હોવા છતાં ઈંગ્લેન્ડ સામે શરૂઆતની ત્રણ ટેસ્ટ મેચની અંતિમ ઈલેવનમાં તેને સ્થાન મળ્યું નથી. હવે એવું લાગી રહ્યું છે કે કદાચ ચોથી ટેસ્ટમાં જાડેજાને તક મળી શકે.

જાડેજાનું વિદેશમાં ખરાબ પ્રદર્શનઃ
રવીન્દ્ર જાડેજાનું વિદેશમાં પ્રદર્શન બહુ સારું નથી. જાડેજાએ ભારતીય ધરતી પર રમેલી ૨૬ ટેસ્ટમાં ૧૩૭ વિકેટ જરૂર લીધી છે, પરંતુ ઈંગ્લેન્ડમાં જાડેજા ચાર ટેસ્ટમાં કુલ નવ વિકેટ જ ઝડપી શક્યો છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી, જોકે હવે જાડેજાની બોલિંગમાં પહેલાં કરતાં વધુ ધાર આવી છે અને તે ઈંગ્લેન્ડમાં પોતાના ઇતિહાસને બદલવા ઇચ્છે છે.

You might also like