જાણો… અશ્વિને કેટલી વિકેટ ઝડપવાનો બનાવ્યો છે Target

નાગપુરઃ શ્રીલંકા સામે ગઈ કાલે બીજી ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવનાર બોલર આર. અશ્વિને ટેસ્ટ કરિયરની ૩૦૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ગઈ કાલે પૂરી થયેલી ટેસ્ટમાં અશ્વિન સૌથી ઝડપી ૩૦૦ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

તેણે ૫૪મી ટેસ્ટમાં આ આંકડો પાર કર્યો. અશ્વિને આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેનિસ લીલીને પછાડીને પ્રથમ ક્રમાંક મેળવ્યો. ડેનિસ લીલીએ બરાબર ૩૬ વર્ષ પહેલાં ૧૯૮૧ની ૨૭ નવેમ્બરે જ આ રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિને બરાબર ૩૬ વર્ષ બાદ લીલીનો આ રેકોર્ડ તોડી નાખ્યો.

ગઈ કાલે મેચ પૂરી થયા બાદ અશ્વિને કહ્યું, ”હું આશા રાખું છું કે ૩૦૦ વિકેટની આ સિદ્ધિને હું ૬૦૦ વિકેટમાં તબદિલ કરી શકું. હું હજી માત્ર ૫૪ ટેસ્ટ જ રમ્યો છું. સ્પિન બોલિંગ જેટલી દેખાય છે એટલી સરળ નથી.”

બીજી ટેસ્ટ પહેલાં ૩૦૦ વિકેટ પૂરી કરવા માટે અશ્વિનને આઠ વિકેટની જરૂર હતી, જે તેણે નાગપુર ટેસ્ટમાં ઝડપી. અશ્વિને વધુમાં કહ્યું, ”આવી બોલિંગ કરવામાં ઘણી મહેનત કરવી પડે છે. મેં અને જાડેજાએ ઘણીબધી ઓવર નાખી હતી. ટીમ તરફથી તાજેતરમાં મળેલા બ્રેકથી મને શ્રીલંકા સામેની શ્રેણી માટે તાજા થવામાં ઘણી મદદ મળી.વળી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી મેચમાંથી પણ હું ઘણું શીખ્યો હતો.”

બીજી ઇનિંગ્સમાં અશ્વિને બોલિંગ કરવાની શરૂઆત કરી ત્યારે ૩૦૦ના આંકડાને સ્પર્શવા માટે ચાર વિકેટની જરૂર હતી. અશ્વિને શ્રીલંકાના મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. લાહિરુ ગમાગે તેનો ૩૦૦મો શિકાર બન્યો હતો, જેને ‘દૂસરા’ની મદદથી બોલ્ડ કર્યો હતો. અશ્વિને ૨૫.૧૫ની સરેરાશથી ૩૦૦ વિકેટ ઝડપી છે.

You might also like