સલામઃ …તો પણ અશ્વિન રમતો રહ્યો

નવી દિલ્હીઃ ચેન્નઈમાં સતત વરસાદ અને પૂરથી જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જરૂરી ચીજોની અછત ઉપરાંત સંચાર સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. પૂરથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં રમી રહેલો ભારતનો સ્ટાર ઓફ સ્પિનર
આર. અશ્વિન ચેન્નઈમાં પોતાનાં માતા પિતા સાથે લગભગ ચોવીસ કલાક બાદ સંપર્ક સ્થાપી શક્યો હતો. ચેન્નઈમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં લગભગ ૩૦૦ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

ચોથી અને અંતિમ ટેસ્ટના પહેલા દિવસે જ્યારે અશ્વિન ૭૩મી ઓવરમાં બેટિંગ કરવા ઊતર્યો ત્યારે તે નહોતો જાણતો કે ચેન્નઈમાં તેનાં માતા પિતાની સ્થિતિ કેવી છે. સ્પિન બોલર જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની પ્રીતિએ ટ્વિટ કર્યું કે અશ્વિન પોતાની બેટિંગ પર ધ્યાન આપે. એક અન્ય ટ્વિટમાં પ્રીતિએ કહ્યું કે ચેન્નઈમાં પરિવારજનો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. તેઓના કોઈ સમાચાર મળ્યા નથી.

પ્રીતિએ બચાવ ટુકડીને પોતાના ઘરનું સરનામું જણાવ્યું હતું. પહેલા દિવસની રમત પૂરી થયા બાદ પ્રીતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે અશ્વિનનાં માતા પિતા સલામત છે અને તેમનો સંપર્ક થઈ ગયો છે. બાદમાં અશ્વિને ટ્વિટ કરીને ચેન્નઈમાં વરસાદને કારણે પ્રતિ લિટર રૂ. ૨૫૦ના ભાવે વેચાઈ રહેલા દૂધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

You might also like