અશ્વિનના ‘જાદુઈ’ બોલની પ્રશંસા વિરોધીઓ પણ કરી રહ્યા છે

કાનપુરઃ ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક ૫૦૦મી ટેસ્ટના ત્રીજા દિવસે ગ્રીનપાર્કના મેદાન પર એ બોલ જોવા મળ્યો, જેને જોઈ બધા ક્રિકેટ ચાહકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એક એવો બોલ, જે ક્રિકેટમાં ૨૩ વર્ષ બાદ ફરીથી જોવા મળ્યો. અશ્વિને કેન વિલિયમ્સનને આવા બોલ પર પેવેલિયન ભેગો કરી દીધો. ૨૩ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ને જે બોલ પર ઈંગ્લેન્ડના માઇક ગેટિંગને બોલ્ડ કર્યો હતો એ બોલને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ એવું નામ આપવામાં આવ્યું હતું. અશ્વિને ફેંકેલા બોલની ફક્ત ભારતીયોએ જ નહીં, બલકે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પણ પ્રશંસા કરી. અશ્વિનના એ બોલે વિશ્વના શાનદાર બેટ્સમેનમાંના એક કેન વિલિયમ્સનને પણ હેરાન-પરેશાન કરી નાખ્યો. અશ્વિનનો એ બોલ લગભગ ૪૫ ડિગ્રી પર ઘૂમ્યો. અશ્વિનનો એ બોલ સ્ટમ્પથી લગભગ દોઢ ફૂટ બહાર પડ્યો અને જબરદસ્ત ટર્ન સાથે મિડલ-ઓફ સાથે ટકરાયો.

અશ્વિનના એ શાનદાર બોલ બાદ રવીન્દ્ર જાડેજાએ અશ્વિનને કહ્યું કે એ બોલે મેચનું પાસું પલટી નાખ્યું. અશ્વિનના એ બોલની બધાએ પ્રશંસા કરી. ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ્સમાં પાંચ બેટ્સમેનને આઉટ કરનારા જાડેજાએ કહ્યું, ”મેં અને અશ્વિને આવો બોલ ફેંકવાનો પ્લાન બનાવ્યો હતો અને અશ્વિને એ કરી દેખાડ્યું.” જ્યારે ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોન વેટલિંગે કહ્યું, ”અશ્વિનના એ બોલને હું મેચનો સૌથી સારો બોલ માનું છું.”
ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ પૂરી કરવાના રેકોર્ડમાં બીજા નંબરનું સ્થાન હાંસલ કરનારા ભારતીય ઓફ સ્પિનર અશ્વિને કહ્યું કે આ રેકોર્ડ બનાવવાની વાત મારા દિમાગમાં ક્યારેય નહોત આવી અને હું મારી જાત સામે સ્પર્ધા કરીને ખુશ છું.

અશ્વિને ગઈ કાલે રમત પૂરી થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ”નિશ્ચિત રીતે હાલ ૨૦૦ વિકેટ બહુ જ ખાસ વાત છે. મેં મારી કરિયરમાં ઘણી ખાસ વિકેટો ઝડપી છે. આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં વિલિયમ્સન બહુ જ સુંદર બોલ પર આઉટ થયો હતો. આવી કેટલીક યાદો છે, જેનો હું મારી કરિયરમાં આનંદ ઉઠાવી રહ્યો છું.”

You might also like