આસારામ ટ્રસ્ટની શાળાની પરીક્ષામાં વાંધાજનક પ્રશ્નો પુછાયા

સીકર: સગીરા સાથે દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આસારામ સાથે સંકળાયેલી સંસ્થાઓની શાળાઓમાં પરીક્ષાને લઇને નવો વિવાદ છેડાયો છે. જનરલ નોલેજની પરીક્ષાના નામે ધો.૭-૮નાં બાળકોને વાંધાજનક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ વિવાદ છેડાયા બાદ શિક્ષણ વિભાગે તપાસના આદેશ જારી કર્યા છે.

ઝુનઝુનુ જિલ્લાના ગુઢા ટાઉનમાં બલરામ વિદ્યામંદિર માધ્યમિક સ્કૂલમાં રવિવારે આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા લેનાર શિક્ષક રાજેન્દ્ર સૈની ફરાર છે. તે એક સરકારી શિક્ષક છે. પેપરની તૈયારી માટે વિદ્યાર્થીઓને આસારામ આશ્રમ સાથે સંકળાયેલા મહિલા ઉત્થાન ટ્રસ્ટનું ‘પ્રેરણાજ્યોત’ નામનું પુસ્તક આપવામાં આવ્યું હતું. ઝુનઝુનુના શિક્ષણ વિભાગના અધિકારી મોહનલાલ યાદવે જણાવ્યું હતું કે આ પરીક્ષા અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાઇમરી એજ્યુકેશન વિભાગના સેક્રેટરી કુંજીલાલ મીણાનું કહેવું છે કે આસારામ સાથે સંકળાયેલ ટ્રસ્ટ દ્વારા પરીક્ષાનું આયોજન અને વાંધાજનક સવાલો પૂછવા એ એક ગંભીર બાબત છે.

You might also like