આશ્રમરોડને લારી-ગલ્લાનાં ‘દબાણ’થી ખરેખર મુક્ત કરાશે?

અમદાવાદ: શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ઠેર ઠેર રોડ-રસ્તા પર દબાણોના રાફડા છે, ગેરકાયદે બાંધકામો તંત્રના છૂપા આશીર્વાદથી ધમધમે છે. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની કાળજી રખાતી નથી. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ‘હપ્તા’ ઉઘરાવીને આ તમામ સમસ્યાઓ સામે આંખ આડા કાન કરે છે. તેમ છતાં ‘કાગળિયા’ પર ઝુંબેશનાં ઢોલ-નગારાં વગાડે છે. હવે સત્તાવાળાઓ આશ્રમરોડને ‘દબાણમુક્ત’ કરવાના છે.
અમદાવાદની રોનક સમાન ગણાતો આશ્રમરોડ સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે. મ્યુનિ. સત્તાવાળાઓએ આશ્રમરોડને સ્ટ્રીટ ફર્નિચર મૂકીને આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક સમયે આશ્રમરોડ પરથી બીઆરટીએસ બસ દોડતી કરવાનો પ્રોજેક્ટ તંત્રની વિચારણા હેઠળ હતો, જે છેવટે આશ્રમરોડ સાંકડો થવાની દહેશતથી પડતો મુકાયો.

આશ્રમરોડ પણ શહેરનો રાજમાર્ગ હોવા છતાં નાનાં-મોટાં દબાણોથી મુક્ત નથી. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ભ્રષ્ટ સ્ટાફની ‘મહેરબાની’થી દબાણો હટતાં નથી. તેમ છતાં સમયાંતરે એસ્ટેટ વિભાગ આશ્રમરોડને ‘દબાણમુક્ત’ કરવાની ઝુંબેશ હાથ ધરે છે! હવે ફરીથી ગત તા. ૧૧ મે, ૨૦૧૬થી આ ઝુંબેશ હાથ ધરાઇ છે, જે આગામી તા. ૬ જૂન, ૨૦૧૬ સુધી ચાલશે. સવારના દશથી સાંજના છ વાગ્યા સુધી ચાલનારી આ ઝુંબેશમાં એસ્ટેટ ટીડીઓ વિભાગના સબઈન્સ્પેક્ટર, સર્વેયર તથા ટ્રેસરની ત્રણ ટીમ ભાગ લઈ રહી છે.

બે િદવસથી આ ઝુંબેશ ચાલી રહી છે. આજે ઝુંબેશનો ત્રીજો દિવસ છે. તેમ છતાં ઉસ્માનપુરા ઝોનલ ઓફિસની બિલકુલ પાસેના જૈન દેરાસરની ફૂટપાથ પરનાં દબાણ હજુ યથાવત્ છે! આના પરથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની આશ્રમરોડને ‘દબાણમુક્ત’ કરવાની દાનતનો ચિતાર મળી જાય છે, જોકે એસ્ટેટ વિભાગના વડા નીલેશ બરંડા તો ઝુંબેશને ‘રૂટિન’ ગણાવે છે!

You might also like